સિરાજ, ધુરેલ, બુમરાહને લીધે વેસ્ટ ઇન્ડિઝ કાબૂમાંઃ રાહુલના ધૈર્યએ ભારતને બચાવ્યું

અમદાવાદની પ્રથમ ટેસ્ટમાં કૅરિબિયનોના 162 રન સામે ભારતના બે વિકેટે 121 રન
અમદાવાદઃ આઇસીસી ટેસ્ટ રૅન્કિંગના ચોથા નંબરના ભારતે અહીં ગુરુવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)ના પ્રારંભિક દિવસે આઠમા ક્રમના વેસ્ટ ઇન્ડિઝ (West indies) પર ધાર્યા પ્રમાણે પ્રભુત્ત્વ જમાવ્યું હતું. કૅરિબિયનોને ભારતે પ્રથમ દાવમાં ફક્ત 162 રનમાં ઑલઆઉટ કરી દીધું ત્યાર બાદ રમતના અંત સુધીમાં બે વિકેટના ભોગે 121 રન કર્યા હતા. ભારત (India) હવે કૅરિબિયનોથી 41 રન પાછળ છે અને આઠ વિકેટ પડવાની બાકી છે.
ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી થયેલા વાઇટ-વૉશ બાદ નવી ટેસ્ટ ચૅમ્પિયનશિપ સીઝનમાં હોમ ગ્રાઉન્ડ પર ભારતની આ પહેલી જ ટેસ્ટ સિરીઝ (Test series) છે.
આ પણ વાંચો: બુમરાહે રચ્યો નવો ઇતિહાસ: ઘરઆંગણે આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર
ગુરુવારની રમતના અંતે કે. એલ. રાહુલ (53 નૉટઆઉટ, 114 બૉલ, છ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (18 નૉટઆઉટ, 42 બૉલ, એક ફોર) દાવમાં હતા. તેમની વચ્ચે ત્રીજી વિકેટ માટે માત્ર 31 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ શુક્રવારના બીજા દિવસે પ્રથમ સત્રમાં તેઓ આ પાર્ટનરશિપ વધુ મજબૂત કરીને ભારતને મોટા સ્કોરની દિશામાં મોકલી શકશે. રાહુલ અને બીજા ઓપનર યશસ્વી જયસ્વાલ (36 રન, 54 બૉલ, સાત ફોર) વચ્ચે 68 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી, જ્યારે યશસ્વીની વિકેટ બાદ સાઇ સુદર્શન (સાત રન) સસ્તામાં આઉટ થઈ ગયો હતો અને શરૂઆતથી ધીરજપૂર્વક રમી રહેલા રાહુલ સાથે ગિલ જોડાયો હતો અને તેમણે ટીમને વધુ ધબડકાની મુશ્કેલીમાંથી બચાવી લીધી હતી.

એ પહેલાં, વેસ્ટ ઇન્ડિઝે બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ માત્ર 42 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજ (14-3-40-4)એ કૅરિબિયન ટીમની બૅટિંગ લાઇન-અપને સૌથી વધુ આંચકા આપ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ગાબડાં પાડવાની શરૂઆત તેણે જ કરી હતી. તેણે તેજનારાયણ ચંદરપૉલ (0)ને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. સિરાજે ત્યાર પછી વધુ ત્રણ વિકેટ લીધી હતી અને કૅરિબિયન ટીમને સીમિત રખાવવામાં તેની સાથે જસપ્રીત બુમરાહ (14-3-42-3), કુલદીપ યાદવ (6.1-0-25-2) તથા વૉશિંગ્ટન સુંદર (3-0-9-1) પણ જોડાયા હતા.
આ પણ વાંચો: IND vs WI ટેસ્ટ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી રહ્યું! BCCIના આ નીતિ સામે સવાલ ઉઠ્યા

ધ્રુવ જુરેલે ચાર કૅચ ઝીલ્યા
વેસ્ટ ઇન્ડિઝને 162 રન સુધી મર્યાદિત રખાવવામાં બોલર્સ ઉપરાંત વિકેટકીપર ધ્રુવ જુરેલની પણ મોટી ભૂમિકા હતી. તેણે ચાર કૅચ ઝીલ્યા હતા. તેણે તેજનારાયણ ચંદરપૉલ, જૉન કૅમ્પબેલ, કૅપ્ટન રૉસ્ટન ચેઝ અને જૉમેલ વૉરિકૅનના કૅચ ઝીલ્યા હતા.
ચંદરપૉલ જુનિયરનું કમબૅક નિષ્ફળ
વેસ્ટ ઇન્ડિઝના ભારતીય મૂળના બૅટિંગ-લેજન્ડ શિવનારાયણ ચંદરપૉલના 29 વર્ષીય પુત્ર તેજનારાયણે 20 મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબૅક કર્યું, પણ એમાં તે ફાવ્યો નહીં. તે સિરીઝના આરંભમાં ચોથી જ ઓવરમાં પોતાના 11મા બૉલ પર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે 17 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને સિરાજના લેગ સ્ટમ્પની બહારના બૉલમાં વિકેટકીપર જુરેલને કૅચ આપી બેઠો હતો. તેજનારાયણ 2022થી 2024 દરમ્યાન 10 ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીની મદદથી કુલ 560 રન કર્યા હતા.
ભારતની ટીમમાં છ બોલર, પાંચ બૅટ્સમેન
શુભમન ગિલના સુકાનમાં આ ટેસ્ટમાં રમી રહેલી ભારતીય ટીમમાં ત્રણ સ્પિનર (જાડેજા, કુલદીપ, વૉશિંગ્ટન સુંદર) ઉપરાંત ત્રણ પેસ બોલર (બુમરાહ, સિરાજ, નીતીશ રેડ્ડી) સામેલ છે. ટીમના પાંચ બૅટ્સમેનમાં યશસ્વી, રાહુલ, સુદર્શન, ગિલ અને ધ્રુવ જુરેલનો સમાવેશ છે. ટીમમાં જાડેજા, નીતીશ અને વૉશિંગ્ટન ઑલરાઉન્ડર છે.