સ્પોર્ટસ

સૂર્યકુમારે આબરૂ સાચવીઃ બોલર્સે શરમજનક સ્થિતિ સામે બચાવ્યા

ભારતે અમેરિકાને 29 રનથી હરાવ્યુંઃ ટીમ ઇન્ડિયાના 9/161ના જવાબમાં યુએસએના 8/132

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે (20 ઓવરમાં 9/161)એ શનિવારે પ્રારંભિક દિવસે યુએસએ (20 ઓવરમાં 8/132)ને 29 રનથી હરાવીને બે પૉઇન્ટ સાથે ખાતું ખોલાવ્યું હતું. આખી ભારતીય ટીમમાં માત્ર કેપ્ટન સૂર્યકુમાર યાદવે (84 અણનમ, 49 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) પ્રશંસનીય ઇનિંગ્સ સાથે ટીમની લાજ રાખી હતી. તે અવિસ્મરણીય ઇનિંગ્સ રમ્યો હતો.

અમેરિકાના 132 રનમાં સંજય ક્રિષ્ણમૂર્તિ અને શુભમ રાંજણેના 37-37 રન હાઇએસ્ટ હતા. બીજા ભારતીય મૂળના બૅટ્સમૅન મિલિંદ કુમારે 34 રનનો ફાળો આપ્યો હતો. ઈજાગ્રસ્ત હર્ષિત રાણાને બદલે રમી રહેલા મોહમ્મદ સિરાજે તકનો લાભ લઈને ત્રણ વિકેટના તરખાટ સાથે ભારતનો વિજય આસાન બનાવ્યો હતો. અક્ષર અને અર્શદીપે બે-બે વિકેટ મેળવી હતી. એક વિકેટ વરુણને મળી હતી, જ્યારે હાર્દિકને 34 રનમાં વિકેટ નહોતી મળી શકી.

એ પહેલાં, ભારતની ઇનિંગ્સમાં સૂર્યકુમાર સર્વત્ર છવાઈ ગયો હતો. તેણે હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ આતશબાજી વધુ ઉગ્ર બનાવી હતી. ખાસ કરીને તેણે સૌરભ નેત્રાલકરની 20મી ઓવરમાં ચોગ્ગા-છગ્ગા મારીને ટીમને 9/161નો પડકારરૂપ ટાર્ગેટ અપાવ્યો હતો. તે ઘણી વાર બિગ શૉટ માર્યા બાદ જમીન પર પટકાયો હતો, પણ ફરી ઊભો થઈને અસલ મિજાજમાં રમવા લાગ્યો હતો.

સાધારણ શરૂઆત બાદ ભારતનો જોરદાર ધબડકો થયો હતો. 13 ઓવરમાં 77 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી અને તમામ બૅટ્સમેને કૅચ ચડાવ્યા હતા. ખરેખર તો ભારતે નવમાંથી આઠ વિકેટ કૅચ આઉટમાં ગુમાવી હતી. છેલ્લે વરુણ રનઆઉટ થયો હતો.

શેડલી વૅને ચાર અને હરમીત સિંહે બે વિકેટ લીધી હતી. ભારતે 50 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી. વર્લ્ડ નંબર વન બેટ્સમેન અભિષેક ટીમની ઇનિંગ્સની બીજી ઓવરમાં પોતાના પહેલા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. પેસ બોલર અલી ખાને ડીપ કવરમાં તેને ક્રિષ્નમૂર્તિના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ઈશાન કિશન (20 રન) તિલક વર્મા (પચીસ રન) સાથેની 38 રનની ભાગીદારી બાદ આઉટ થયો હતો.

પેસ બોલર શેડલી વૅનની જે ઓવરમાં બીજા બૉલમાં ઈશાન આઉટ થયો એ જ ઓવરના પાંચમા બૉલમાં તિલકે વિકેટ ગુમાવી અને છેલ્લા બૉલમાં શિવમે વિકેટ ફેંકી દીધી હતી. શેડલીની આ ત્રણેય વિકેટમાં બૅટ્સમેન કૅચઆઉટ થયા હતા.

રિન્કુ સિંહ (છ રન) મોહમ્મદ મોહસીનના બૉલમાં કૅચઆઉટ થયો હતો. પાંચ રન બાદ હાર્દિકે પણ વિકેટ ગુમાવી હતી. તેણે માત્ર પાંચ રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button