ભારતનો આ મુખ્ય ફાસ્ટ બોલર કદાચ આજની મૅચમાં નહીં રમે

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારત (India)ની અમેરિકા સામે મૅચ છે અને એમાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કદાચ નહીં રમે એવું સવારે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
બુમરાહ (Bumrah)ની તબિયત થોડી નાદુરસ્ત છે અને ટીમ મૅનેજમેન્ટ તેને અમેરિકા જેવી ઓછી પડકારરૂપ સામે રમાડીને કોઈ જોખમ લેવા નથી માગતી. બની શકે કે બુમરાહ આજે રમે તો તેની તબિયત વધુ બગડી જાય તો પછીની મૅચો માટેની ટીમ મૅનેજમેન્ટની વ્યૂહરચના ખોરવાઈ જાય.
બુમરાહને શુક્રવારે થોડો તાવ (temperature)હતો. શુક્રવારે સાંજે વાનખેડેમાં તેણે પ્રૅક્ટિસ નહોતી કરી અને ત્યારથી જ અટકળ શરૂ થઈ ગઈ હતી કે શનિવારની મૅચમાં બુમરાહ કદાચ નહીં જોવા મળે.
જો બુમરાહ નહીં રમે તો તેના સ્થાને કદાચ મોહમ્મદ સિરાજને રમાડવામાં આવશે. સિરાજને ઈજાગ્રસ્ત હર્ષિત રાણાની જગ્યાએ ટીમમાં સમાવવામાં આવ્યો છે.
ભારતની બીજી લીગ મૅચ નામિબિયા સામે, ત્રીજી પાકિસ્તાન સામે અને ચોથી નેધરલૅન્ડ્સ સામે રમાવાની છે. બુમરાહ પર ઘણા સમયથી વર્ક-લૉડ છે એ જોતાં તેને ઓછી મહત્ત્વની મૅચ અને સિરીઝની બહાર રાખવાનો ટીમ મૅનેજમેન્ટનો અભિગમ રહ્યો છે.



