સૂર્યવંશીની કમાલ જોઈ, હવે શનિવારથી સૂર્યકુમારના શૂરવીરોની ધમાલ જોઈશું…

શનિવારે ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ વાનખેડેમાં સાંજે 7.00થી યુએસએ સામેઃ પહેલો મુકાબલો પાકિસ્તાન-નેધરલેન્ડ્સનો
મુંબઈઃ ભારત અને શ્રીલંકામાં શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ રહ્યો છે જેમાં ભારતની પહેલી મૅચ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) વિરુદ્ધ રમાશે. સૂર્યકુમાર યાદવ ભારતનો અને મોનાંક પટેલ યુએસએનો કૅપ્ટન છે.
ક્રિકેટ જગતે શુક્રવારે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતના 14 વર્ષીય બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (175 રન, 80 બૉલ, 15 સિક્સર, 15 ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ જોઈ અને હવે શનિવારથી આખું જગત અનેક હાર્ડ-હિટર્સ ધરાવતી ભારતીય ટીમની ધમાલ જોશે.

ભારતીય ટીમમાં વર્લ્ડ નંબર-વન અભિષેક શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે સહિતના આક્રમક બૅટ્સમેનો છે અને તેઓ આ ટુર્નામેન્ટની બાકીની 19માંથી કોઈ પણ ટીમને ભારે પડી શકે.
ભારત 2024ના ચૅમ્પિયનપદ બાદ આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. નવાઈની વાત એ છે કે ભારત છેલ્લે ટી-20 વર્લ્ડ કપમાં હાર્યું હોય એવું છેક 2022માં બન્યું હતું. ત્યારે એ ઍડિલેઇડમાં ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલ હતી. ત્યાર બાદ નવી ટૂર્નામેન્ટથી અત્યાર સુધીમાં ટી-20 વર્લ્ડ કપમાં જીત્યું જ છે.
શનિવારે ટી-20 વિશ્વ કપની પ્રથમ મૅચ કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે. આઠમી માર્ચે આ ટૂર્નામેન્ટની ફાઇનલ રમાવાની છે.

શનિવારે કયા મુકાબલા
સવારે 11.00થીઃ કોલંબોમાં પાકિસ્તાન વિરુદ્ધ નેધરલૅન્ડ્સ
બપોરે 3.00થીઃ કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સ્કૉટલૅન્ડ
સાંજે 7.00થીઃ વાનખેડેમાં ભારત વિરુદ્ધ યુએસએ



