ભારતને પ્રથમ ટેસ્ટની હારથી મોટું નુકસાન, સાઉથ આફ્રિકાને મોટો ફાયદો…

દુબઈઃ આઇસીસી (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના નવા ક્રમાંકો જાહેર કર્યા છે જે અનુસાર ભારત રવિવારે ઈડન ગાર્ડન્સ (EDEN GARDENS)માં સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી જતાં રૅન્કિંગમાં એક ક્રમ નીચે ઊતર્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા બીજા નંબર પર આવી ગયું છે.
ભારતે કોલકાતાની ટેસ્ટમાં 30 રનની સરસાઈ લીધી હતી, પણ છેવટે 30 રનના નાના તફાવતથી જ ટીમ ઇન્ડિયાએ પરાજય જોવો પડ્યો. સાઉથ આફ્રિકા 2010 પછી (15 વર્ષે) પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ જીતવામાં સફળ થયું છે.

ભારતની ટીમ ડબ્લ્યૂટીસીમાં ત્રીજા નંબરે હતી, પણ આ પરાજયને પગલે ચોથા નંબર પર જતી રહી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ એક નંબરની પ્રગતિ કરીને બીજું સ્થાન મેળવ્યું છે. વર્તમાન ડબ્લ્યૂટીસી સીઝનમાં ભારત આઠમાંથી ચાર ટેસ્ટ જીત્યું, ત્રણ હાર્યું અને એક ટેસ્ટ ડ્રૉ થઈ છે.
સાઉથ આફ્રિકાની ટીમ છેલ્લે ભારતમાં ફેબ્રુઆરી, 2010માં નાગપુરમાં ટેસ્ટ જીતી હતી. ત્યારે ગે્રમ સ્મિથ સાઉથ આફ્રિકાનો અને એમએસ ધોની ભારતનો કૅપ્ટન હતો. સાઉથ આફ્રિકાની ટીમમાં ત્યારે ડેલ સ્ટેન, મૉર્ની મૉર્કલ, વેઇન પાર્નેલ, જૅક કૅલિસ, જે. પી. ડુમિની, હાશિમ અમલા, ડીવિલિયર્સ અને માર્ક બાઉચર જેવા ધુરંધરો હતા.
ડબ્લ્યૂટીની 2025-2027 સીઝનમાં કોણ કઈ સ્થિતિમાં
| 1 | ઑસ્ટ્રેલિયા | 100 પૉઇન્ટની ટકાવારી |
| 2 | સાઉથ આફ્રિકા | 66.67 પૉઇન્ટની ટકાવારી |
| 3 | શ્રીલંકા | 66.67 પૉઇન્ટની ટકાવારી |
| 4 | ભારત | 54.17 પૉઇન્ટની ટકાવારી |
| 5 | પાકિસ્તાન | 50.00 પૉઇન્ટની ટકાવારી |
| 6 | ઇંગ્લૅન્ડ | 43.33 પૉઇન્ટની ટકાવારી |
| 7 | બાંગ્લાદેશ | 16.67 પૉઇન્ટની ટકાવારી |
| 8 | વેસ્ટ ઇન્ડિઝ | શૂન્ય |
નોંધઃ (અ) ન્યૂ ઝીલૅન્ડની નવી સીઝનમાં હજી એક પણ મૅચ નથી રમાઈ. (બ) વેસ્ટ ઇન્ડિઝ આ સીઝનમાં પાંચેય ટેસ્ટ હાર્યું છે.
આ પણ વાંચો…કુંબલેએ બુમરાહનું નામ લઈને પૂછ્યો અગત્યનો સવાલઃ કેમ રવિવારે રમતની શરૂઆતમાં…



