India v/s South Africa Women’s ODI :સ્મૃતિ અને સ્પિનર્સે ભારતને 143 રનથી જીત અપાવી
બેન્ગલૂરુ: ભારતની મહિલા ક્રિકેટ ટીમે રવિવારે અહીં સાઉથ આફ્રિકાને ત્રણ વન-ડેવાળી સિરીઝની પ્રથમ મૅચમાં 143 રનના તોતિંગ માર્જિનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતની જગવિખ્યાત ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના (117 રન, 127 બૉલ, એક સિક્સર, બાર ફોર) આ મૅચની સુપરસ્ટાર હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7,000 રન પૂરા કરનારી મિતાલી રાજ પછીની બીજી ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ (Smriti Mandhana)ના 117 રનથી પ્રવાસી ટીમ વધુ માત્ર પાંચ રન બનાવી શકી હતી.
સાઉથ આફ્રિકાની ટીમ 266 રનના લક્ષ્યાંક સામે 37.4 ઓવરમાં માત્ર 122 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં સુન લુસના 33 રન સૌથી વધુ હતા.
33 વર્ષની લેગબ્રેક ગૂગલી એક્સપર્ટ આશા હેમલતાએ ફ્કત 21 રનમાં ચાર વિકેટ લીધી હતી. વિશ્ર્વમાં ટૉપ-ફાઇવમાં આવતી સ્પિનર દીપ્તિ શર્માએ બે તેમ જ રેણુકા, પૂજા અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી.
ભારતે સાઉથ આફ્રિકા સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં આઠ વિકેટે 265 રન બનાવ્યા હતા જેમાં દીપ્તિ શર્માના 37 રન સ્મૃતિ પછી સેક્ધડ-હાઇએસ્ટ હતા. સ્મૃતિની સદી સામે બીજી કોઈ ભારતીય બૅટરની હાફ સેન્ચુરી પણ નહોતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર 10 રન અને ઓપનર શેફાલી વર્મા સાત રન બનાવીને આઉટ થઈ હતી. સાઉથ આફ્રિકાની પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ અને મસાબાતા ક્લાસે બે વિકેટ લીધી હતી.
ભારતની એક તબક્કે 99 રનમાં પાંચ વિકેટ હતી, પરંતુ સ્મૃતિએ સામા છેડાની એક પછી એક બૅટર સાથે નાની-મોટી ભાગીદારી કરીને ભારતને 250-પ્લસનો સ્કોર અપાવ્યો હતો. સ્મૃતિ છેક 47મી ઓવરમાં આઉટ થઈ હતી. ખાસ કરીને દીપ્તિ સાથે તેની છઠ્ઠી વિકેટ માટેની 81 રનની ભાગીદારી હરીફ ટીમને ભારે પડી ગઈ હતી.
ભારતે પાંચમી વિકેટ પછી 166 રન બનાવ્યા હતા જે વન-ડે ક્રિકેટમાં ભારતીયોમાં પાંચમી વિકેટ પછી બનેલા રનમાં રેકૉર્ડ છે.