ભારત માટે ટર્નિંગ પિચનો મોહ બુમરૅન્ગ થયોઃ ઘરઆંગણે છેલ્લી છમાંથી ચાર ટેસ્ટ હાર્યા

કોલકાતાઃ વન-ડે અને ટી-20ના નંબર-વન ભારતે રવિવારે અહીં ઈડન ગાર્ડન્સ (Eden gardens)માં ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે લૉ-સ્કોરિંગ ટેસ્ટ મુકાબલામાં ઘૂટણિયાં ટેકવ્યા હતા. દર વર્ષે આઇપીએલમાં ધમાકેદાર પર્ફોર્મન્સથી સ્ટેડિયમ ગજાવતાં ભારતીય બૅટ્સમેનો માત્ર 124 રનનો નાનો લક્ષ્યાંક પણ નહોતા મેળવી શક્યા અને પરિણામ એ આવ્યું કે સાઉથ આફ્રિકા (South Africa)ના ખેલાડીઓ 15 વર્ષે ભારતની ધરતી પર ટેસ્ટ મૅચ જીતવામાં સફળ થયા હતા અને એ પણ ત્રીજા જ દિવસે.
દાયકાઓથી ભારતની પિચો સ્પિન-ફ્રેન્ડ્લી રહી છે. ઇડન ગાર્ડન્સની પિચ પર ભારતના સ્પિનર્સ તો સફળ રહ્યા, પરંતુ ભારતના બૅટ્સમેનો સાઉથ આફ્રિકાના સ્પિનર્સ સામે સાવ ઝૂકી ગયા હતા અને શરણાગતિ સ્વીકારી લીધી. યોગાનુયોગ, ભારતે પ્રથમ દાવમાં 30 રનની સરસાઈ લીધી હતી, પણ છેવટે 30 રનથી જ પરાજય જોવો પડ્યો.

આ પણ વાંચો : ભારતને પ્રથમ ટેસ્ટની હારથી મોટું નુકસાન, સાઉથ આફ્રિકાને મોટો ફાયદો…
ઘરઆંગણે ભારત છેલ્લી છમાંથી ચોથી ટેસ્ટ હાર્યું છે. ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રોહિત શર્માના સુકાનમાં ટીમનો ટૉમ લેથમના નેતૃત્વમાં રમનાર ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં 0-3થી પરાજય થયો હતો. ત્યાર બાદ ભારતીયો ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી 1-3થી હાર્યા હતા અને ઇંગ્લૅન્ડમાં સિરીઝ 2-2થી ડ્રૉ કરાવ્યા બાદ ઘરઆંગણે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી શ્રેણી જીતી લીધી ત્યાર પછી ફરી હોમ ગ્રાઉન્ડ પર ભારતે ફરી હારવાનું શરૂ કરી દીધું છે કે શું?
કોલકાતાની ટેસ્ટમાં પહેલા દાવમાં સાઉથ આફ્રિકા 159 રનમાં ઑલઆઉટ થઈ ગયું ત્યારે ઘણાએ ભારતની જીતની સંભાવના વિચારી હશે. જોકે એમાં કંઈ ખોટું પણ નહોતું, કારણકે ટીમમાં સ્ટાર બૅટ્સમેનો હોય તો વિજયની અપેક્ષા આપોઆપ વધી જાય. જોકે ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 189 રન કરી શકી હતી જેમાં કે. એલ. રાહુલના 39 રન હાઇએસ્ટ હતા. સાઉથ આફ્રિકાના પ્રથમ દાવમાં બુમરાહે પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો તો શનિવારે બીજા દાવમાં રવીન્દ્ર જાડેજાએ પરચો બતાવી દીધો હતો અને ચાર વિકેટ લીધી હતી. એ દિવસની રમતને અંતે પ્રવાસી ટીમનો સ્કોર ભારતની 30 રનની સરસાઈ બાદ કરતાં 7/63 હતો એટલે રવિવારે ભારતના વિજયની 80 ટકા સંભાવના હતી. જોકે સાવ ઊલટું બન્યું. રવિવારે સવારે (અનિલ કુંબલેએ મૅચ પછી કચાશ વિશે કટાક્ષ કર્યો એમ…) ઈજાગ્રસ્ત શુભમન ગિલની ગેરહાજરીમાં નેતૃત્વ સંભાળનાર કાર્યવાહક સુકાની રિષભ પંતે બુમરાહ-સિરાજ સાથે બોલિંગ આક્રમણ શરૂ કરવાને બદલે સ્પિનર્સ પાસે અટૅક શરૂ કરાવ્યો હતો જેમાં કૅપ્ટન ટેમ્બા બવુમા અને કૉર્બિન બૉશ્ચની જોડી ક્રીઝમાં જામી ગઈ અને તેમની વચ્ચે 44 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. બવુમા પંચાવન રને અણનમ રહ્યો હતો. રવિવારે બાકીની ત્રણેય વિકેટ બુમરાહ તથા સિરાજે લીધી હતી.

આ પણ વાંચો : કુંબલેએ બુમરાહનું નામ લઈને પૂછ્યો અગત્યનો સવાલઃ કેમ રવિવારે રમતની શરૂઆતમાં…
ભારતને માત્ર 124 રનનો ટાર્ગેટ મળ્યો અને પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલ (0)ની વિકેટ પડતાં ભારતના ધબડકાની શરૂઆત થઈ હતી અને એક પછી એક વિકેય સસ્તામાં પડતી ગઈ અને છેવટે 93 રનમાં આખો દાવ સમેટાઈ ગયો હતો. આખી મૅચમાં એકેય ભારતીય બૅટ્સમૅનની હાફ સેન્ચુરી નહોતી. સાઉથ આફ્રિકાના ઑફ સ્પિનર સાઇમન હાર્મરે મૅચમાં કુલ આઠ વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો. બીજા સ્પિનર કેશવ મહારાજે મૅચમાં કુલ ત્રણ વિકેટ અને ત્રીજા સ્પિનર માર્કરમે એક વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર માર્કો યેનસેન (કુલ પાંચ વિકેટ) પણ ભારતીય ટીમને ભારે પડ્યો હતો.
સાઉથ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ છે. હવે તેઓ સિરીઝ હારી નહીં શકે અને ભારત શ્રેણી જીતી નહીં શકે. બન્ને દેશ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ બાવીસમી નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે અને ત્યાર બાદ વન-ડે સિરીઝમાં ક્રિકેટપ્રેમીઓને રોહિત શર્મા તથા વિરાટ કોહલીના ધમાકા જોવા મળશે.



