ભારતીય ક્રિકેટરો નીચું માથું કરીને બસમાં બેસી રહ્યા હતા ત્યારે સાઉથ આફ્રિકાના ડ્રેસિંગ રૂમમાં શેમ્પેઇનની બૉટલ સાથે સેલિબ્રેશન ચાલતું હતું

અમિત શાહ
કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સના ડ્રેસિંગ રૂમમાં શેમ્પેઇનની બૉટલો ખુલતાંની સાથે જ જીતના જશનનો માહોલ શરૂ થઈ ગયો, પણ અફસોસ…કાશ આ ડ્રેસિંગ રૂમ ટીમ ઇન્ડિયાની હોત તો વાત કંઇક જુદી જ હોત. રવિવારે બપોરે વર્લ્ડ ચૅમ્પિયન દક્ષિણ આફ્રિકા (South Africa) સામે પહેલી ટેસ્ટ મૅચ હાર્યા બાદ ઈડન (Eden) ગાર્ડન્સના સ્ટેડિયમમાં એક ગમગીની જોવા મળી હતી.
124 રનના મામૂલી લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાને એક-એક રનની એટલી બધી જરૂર હતી કે કોઈ બૅટ્સમૅન જ્યારે દોડીને એક રન પણ લેતો હતો ત્યારે હજારો પ્રેક્ષકો ખુશ થઈને બૂમો પાડતા હતા. જોકે વિપક્ષી ટીમ માટે ફેંકેલી જાળમાં ખુદ ટીમ ઇન્ડિયા પોતે જ ફસાઈ ગઇ. વિશ્વવિજેતા દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ અઢી દિવસમાં હારી ગઈ.
આ પણ વાંચો : ભારત માટે ટર્નિંગ પિચનો મોહ બુમરૅન્ગ થયોઃ ઘરઆંગણે છેલ્લી છમાંથી ચાર ટેસ્ટ હાર્યા

સિટી ઑફ જોય’થી ઓળખાતા કોલકાતામાં રવિવારની બપોરે આફ્રિકન ડ્રેસિંગ રૂમમાં બિયર અને શેમ્પેઇનની છોળો ઊડતી દેખાઇ. મૅચના પહેલા દિવસે (શુક્રવારે) સાઉથ આફ્રિકન ટીમે વિચાર્યું પણ ન હતું કે તેમને આટલો આસાનીથી વિજય પ્રાપ્ત થશે. વિજયની ઉજવણી કરતાં ટીમના સભ્યો એટલું કહેતા હતા કે અહીંથી આપણે હવે સિરીઝ હારીશું નહીં.’ જ્યાં એક તરફ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ નીચું માથું કરીને બસમાં બેસતાં જોવા મળ્યાં ત્યાં આફ્રિકન ટીમ મોડે સુધી ડ્રેસિંગ રૂમમાં જીત સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.
ઈડનની ટેસ્ટ હાર્યા બાદ ટીમ મીટિંગમાં ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે તમામ પ્લેયર્સને ઠપકો આપતા કહ્યું હતું કે `તમારામાં ટેસ્ટ ક્રિકેટ રમવાની ભૂખનો અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. આવી રીતે મૅચ નહીં જીતી શકાય. ચૅલેન્જિંગ પિચો પર ધૈર્યપૂર્ણ બૅટિંગનો દેખાવ કરવો પડશે.’
આ પણ વાંચો : ભારતને પ્રથમ ટેસ્ટની હારથી મોટું નુકસાન, સાઉથ આફ્રિકાને મોટો ફાયદો…

વૉશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલના ખરાબ શૉટ્સને પણ ગૌતમે હારના કારણ ગણાવ્યા હતાં. આ હાર બાદ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતે 12 પોઇન્ટ ગુમાવ્યા છે. એટલું જ નહીં, જોત જોતામાં કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓના દિલ તોડ્યા છે.



