સ્પોર્ટસ

કુંબલેએ બુમરાહનું નામ લઈને પૂછ્યો અગત્યનો સવાલઃ કેમ રવિવારે રમતની શરૂઆતમાં…

કોલકાતાઃ જસપ્રીત બુમરાહ ટેસ્ટ-ક્રિકેટના તમામ બોલર્સમાં અત્યારે વર્લ્ડ નંબર-વન છે, પરંતુ રવિવારે સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે 93/7ના સ્કોર સાથે રમત ફરી શરૂ કરી ત્યારે એ જટિલ પરિસ્થિતિમાં પહેલી ઓવર તેને (બુમરાહને) આપવાનું કાર્યવાહક કૅપ્ટન રિષભ પંતને ઠીક નહોતું લાગ્યું અને તેણે સ્પિનર્સથી આક્રમણ શરૂ કર્યું જે સ્પિન-લેજન્ડ અનિલ કુંબલે (Anil kumble)ને નથી ગમ્યું. ટેસ્ટ-ક્રિકેટમાં ભારત વતી સૌથી વધુ 619 વિકેટ લેનાર કુંબલેનો સૌથી મોટો સવાલ એ છે કે કેમ ટીમના બેસ્ટ બોલરને રવિવારે પ્રથમ ઓવર નહોતી આપવામાં આવી?

શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે શનિવારે બૅટિંગ દરમ્યાન જ મૅચમાંથી નીકળી ગયો હતો અને ઈજા ગંભીર હોવા બદલ રવિવારે પાછો મેદાન પર નહોતો આવી શક્યો. તેની ગેરહાજરીમાં નેતૃત્વ સંભાળનાર વાઇસ-કૅપ્ટન રિષભ પંતે રવિવારની રમતની શરૂઆત લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલથી કરી હતી.

ત્યારે કૅપ્ટન ટેમ્બા બવુમા (પંચાવન અણનમ, 136 બૉલ, 183 મિનિટ, ચાર ફોર) અને કૉર્બિન બૉશ્ચ (25 રન, 37 બૉલ, 49 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે હજી માંડ બે રનની ભાગીદારી થઈ હતી, પરંતુ દિવસની શરૂઆતમાં ભારતીય બોલિંગમાં આક્રમણનો અભાવ હોવાથી (આરંભ બુમરાહથી ન થયો હોવાથી) બવુમા-કૉર્બિનની જોડી જામતી ગઈ હતી અને તેમની વચ્ચે 79 બૉલમાં 44 રનની પાર્ટનરશિપ થઈ હતી.

PTI

સ્પિનર્સના ઉપયોગ બાદ બુમરાહને છેક નવમી ઓવર

રવિવારે રિષભ પંતે અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને અજમાવ્યા બાદ બુમરાહ (Bumrah)ને છેક નવમી ઓવરથી મોરચા પર મૂક્યો હતો અને ત્યાં સુધીમાં બવુમા-કૉર્બિનની જોડી જામી ગઈ હતી.

ભારત માટે 124નો લક્ષ્યાંક મુશ્કેલ બન્યો

કુંબલેએ એક જાણીતી ઍપ પર કહ્યું, ` ભારત માટે 124 રનનો લક્ષ્યાંક થોડો મોટો અને મુશ્કેલ બની ગયો હતો. રવિવારની રમત શરૂ થઈ ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર (30 રનની સરસાઈ બાદ કરતાં) 7/63 હતો. જોકે બેસ્ટ બોલર જસપ્રીત બુમરાહથી કેમ આક્રમણ શરૂ ન કરાયું એ મારા માટે સૌથી મોટો સવાલ છે. બધાએ જોયું કે છેલ્લી ત્રણેય વિકેટ ફાસ્ટ બોલરે મેળવી હતી.’ ઉલ્લેખનીય છે કે આઠમી વિકેટ બુમરાહે અને નવમી-દસમી વિકેટ સિરાજે લીધી હતી.

કૅપ્ટન બવુમાને જોઈએ એવો જશ નથી મળ્યોઃ કુંબલે

કુંબલેએ સાઉથ આફ્રિકન ટીમના વખાણ કરતા કહ્યું, ` એકંદરે, ભારતથી સાઉથ આફ્રિકા ચડિયાતું સાબિત થયું અને એનો શ્રેય કૅપ્ટન ટેમ્બા બવુમાને આપું છું. ખરું કહું તો કૅપ્ટન્સીની બાબતમાં તેને જે જશ મળવો જોઈએ એ ક્યારેય મળ્યો જ નથી. કૅપ્ટન તરીકે તે 11માંથી 10 ટેસ્ટ જીત્યો છે તેમ જ સાઉથ આફ્રિકાને તેણે ટેસ્ટની ચૅમ્પિયનશિપ પણ જિતાડી આપી છે.

બીજા આંતરરાષ્ટ્રીય કૅપ્ટનોને મળે છે એવો શ્રેય ટેમ્બા બવુમાને મળ્યો જ નથી. તે કૅપ્ટન-બૅટર તરીકે બે અસાધારણ ઇનિંગ્સ રમ્યો છે. એક, જૂનમાં ડબ્લ્યૂટીસીની ઑસ્ટ્રેલિયા સામેની લૉર્ડ્સની ફાઇનલમાં અને એક અહીં કોલકાતામાં રવિવારે ભારત સામેના બીજા દાવમાં.’

PTI

બવુમા બોલિંગમાં સારા ફેરફાર કરતો હતો

અનિલ કુંબલેએ અવ્વલ દરજ્જાના ખેલાડી અને કૅપ્ટન તરીકેના પોતાના અનુભવ પરથી કહ્યું કે ` બવુમા ખરા સમયે સ્પિનર માર્કરમને મોરચા પર લાવ્યો હતો. તેણે બે લેફ્ટ-હૅન્ડર્સ સામે આ સચોટ નિર્ણય લીધો હતો. અક્ષર પટેલ બહુ સારું રમી રહ્યો હતો છતાં ત્યારે બવુમાએ માર્કરમના સ્થાને કેશવ મહારાજને ફરી બોલિંગ આપી હતી. ત્યારે ભારતનો સ્કોર 7/77 હતો. કૅપ્ટન શુભમન ગિલ બૅટિંગમાં નહોતો આવવાનો.

મહારાજના પહેલા ચાર બૉલમાં અક્ષરે બે સિક્સર અને એક ફોરની મદદથી 16 રન કર્યા હતા, પણ (મહારાજને એ ઓવર આપવાનો) જુગાર બવુમાને ફળ્યો હતો. પાંચમા બૉલમાં મહારાજે અક્ષરની અને છઠ્ઠા બૉલમાં સિરાજની વિકેટ લઈને ખેલ ખતમ કરી નાખ્યો હતો. એકંદરે બવુમાએ બોલર્સનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો હતો. (23 ટેસ્ટમાં 38 વિકેટ લઈ ચૂકેલા) પેસ બોલર વિઆન મુલ્ડરનો બવુમાએ બીજા દાવમાં ઉપયોગ જ નહોતો કર્યો. તેને પેસ બોલિંગમાં યેનસેન અને કૉર્બિન બૉશ્ચ પર તેમ જ બન્ને મુખ્ય સ્પિનર્સ પર પૂરો ભરોસો હતો. અધૂરામાં પૂરું, તેણે સ્પિનર્સ હાર્મર અને મહારાજ ઉપરાંત માર્કરમનો સારી રીતે ઉપયોગ કર્યો હતો.’

આ પણ વાંચો…સિરાજે એવો બોલ ફેંક્યો કે સ્ટમ્પના બે ટુકડા થઇ ગયા! જુઓ વિડીયો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button