રાયપુરમાં બે સેન્ચુરી ફટકારી છતાં આપણે હારી ગયા! હવે બોલિંગ ટીમ ઇન્ડિયાને બેહાલ કરી રહી છે

બિન અનુભવી બોલર્સ 359 રનનો લક્ષ્યાંક કેવી રીતે ડિફેન્ડ કરી શકે?: વિરાટ-ઋતુરાજની 195 રનની તોતિંગ ભાગીદારી ગઈ પાણીમાં
અજય મોતીવાલા
મુંબઈઃ ગયા મહિને ટેસ્ટના નવા વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે દિગ્ગજો અને અનુભવી ખેલાડીઓ વિનાની કંગાળ બૅટિંગ લાઇન-અપને કારણે 0-2થી હાર જોવી પડી હતી તેમ જ ખાસ કરીને સારા ટર્ન અપાવતી આપણી જ પિચો પર હરીફ ટીમની અસરદાર સ્પિન બોલિંગ સામે આપણા જ બૅટ્સમેનો ઝૂકી જતાં આપણી ટીમનો વાઇટવૉશ થયો હતો, પરંતુ હવે એ જ દેશ સામેની વન-ડે સિરીઝમાં આપણી વર્લ્ડ નંબર-વન ટીમ નબળી બોલિંગ તથા કાચી ફીલ્ડિંગને કારણે બુધવારે છઠ્ઠા નંબરના સાઉથ આફ્રિકા (south Africa) સામે હારી ગઈ હતી.
હજી અઠવાડિયા પહેલાં ટેસ્ટ શ્રેણીમાં ખરાબ રીતે દાઝી ગયા હોઈએ તો એ પછીની વન-ડે શ્રેણી માટેની ટીમ ખૂબ સાવચેતીપૂર્વક સિલેક્ટ કરવી જોઈતી હતી. જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ સિરાજને આરામ આપો અને મહિનાઓથી ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા થનગની રહેલા મોહમ્મદ શમીને સતત અવગણ્યા કરો, ભુવનેશ્વર કુમાર જેવા એક સમયના ટોચના પેસ બોલરને પણ ભૂલી જાઓ તો પછી કેવી હાલત થાય એ સમજી શકાય એવી વાત છે. રાયપુરમાં બુધવારે ભારતીય ટીમે (team india) બબ્બે સેન્ચુરી થયા પછી પણ હાર જોવી પડી. એકમાત્ર એઇડન માર્કરમની સદી મૅચ-વિનિંગ સાબિત થઈ.
આ પણ વાંચો: ભારતીય ટીમ 358 રન ડિફેન્ડ કેમ ન કરી શકી? સુનીલ ગાવસ્કરે જણાવ્યું હારનું મુખ્ય કારણ

સેન્ચુરિયનો વિરાટ-ઋતુરાજે છેવટે હાર જોવી પડી
વિરાટ કોહલી 2008માં 20 વર્ષની યુવાન વયે ડેબ્યૂ વખતે જે જોશ, ઝનૂન અને સ્ફૂર્તિથી રમતો હતો એવું જ બુધવારે રાયપુરમાં 37 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો અને વન-ડેની 53મી સદી તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 84મી સદી ફટકારી હતી. 143 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 93 બૉલમાં બે છગ્ગા તથા સાત ચોક્કાની મદદથી 102 રન કર્યા ત્યાર પછી પણ છેવટે તેણે પરાજય જોવો પડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડને માંડ-માંડ ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા મળ્યું અને તેણે બુધવારે 102 મિનિટ તથા 83 બૉલની ઇનિંગ્સમાં બે સિક્સર તથા બાર ફોર સાથે 105 રન કર્યા અને વન-ડે ફૉર્મેટમાં પહેલી વાર સેન્ચુરી ફટકારી, ભાવુક થઈને વિરાટના ખભા પર માથું ટેકવીને રડ્યો હતો છતાં તેણે પણ છેવટે હાર જ જોવી પડી. કિંગ કોહલી સાથે 156 બૉલમાં ગાયકવાડની 195 રનની તોતિંગ ભાગીદારી થાય ત્યાર પછી પણ જો ભારતનો ચાર બૉલ બાકી રહી જતાં પરાજય થાય તો સેન્ચુરિયન બૅટ્સમેનો કેટલા હતાશ થાય એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ.

રાયપુરમાં ભારતીય બોલિંગની ધુલાઈ થઈ
અર્શદીપ સિંહ ટોચનો ફાસ્ટ બોલર છે એની ના નથી, પરંતુ બૅટિંગ પિચ પર યૉર્કર સહિત તેનો અસલ ટચ ન જોવા મળે તો શું થાય, હારી જ જવાયને! અનુભવી ફાસ્ટ બોલર્સને બદલે પ્રસિદ્ધ ક્રિષ્ના અને હર્ષિત રાણા જેવા ખૂબ ઓછા અનુભવવાળા પેસ બોલરને લઈને મેદાન પર ઊતરો તો શું થાય! ડેથ ઓવર્સમાં જિતાડી આપે એવા કાબેલ બોલર્સ સિલેક્ટરોએ કેમ ભારતીય ટીમને ન આપ્યા? ક્રિષ્નાએ એ દિવસે બે વિકેટ લીધી, પણ તેની 8.2 ઓવરમાં 85 રન બન્યા હતા. હર્ષિતે પણ એક વિકેટ મેળવી, પરંતુ તેની 10 ઓવરમાં 70 રન થયા હતા. કુલદીપ યાદવ જેવા ટોચના સ્પિનરને પણ એક વિકેટ 78 રનના ખર્ચે મળી હતી.

આ પણ વાંચો: ભારત નબળી બોલિંગ અને ખરાબ ફીલ્ડિંગને કારણે હાર્યું…
સિલેક્ટરો, તમે ડોમેસ્ટિક મૅચોમાંથી ટૅલન્ટ શોધી કાઢો
સિલેક્ટર્સ (અહીં ખાસ કરીને ચીફ સિલેક્ટર અજિત આગરકરની વાત કરીએ છીએ) વિદેશમાં આંતરરાષ્ટ્રીય સિરીઝ દરમ્યાન મેદાન પર જોવા મળે તો કોઈને પણ શંકા થાય કે માત્ર ટીમ સિલેક્ટ કરવાની જવાબદારી સંભાળતા આ ભાઈ કેમ ગ્રાઉન્ડ પર વારંવાર જોવા મળે છે? તેમણે જ મેદાન પર આવી જવાનું હોય તો પછી હેડ-કોચ અને સિનિયર ખેલાડીઓ સહિતના ટીમ-મૅનેજમેન્ટની શું જરૂર છે? સિલેક્ટરોએ ટીમ પસંદ કર્યા પછી સિરીઝ કે મૅચ દરમ્યાન હાજરી આપીને ખેલાડીઓને માનસિક દબાણમાં લાવવા કરતાં ડોમેસ્ટિક મૅચોના સ્થળે જઈને નવી-નવી ટૅલન્ટ શોધવી જોઈએ. શું નવી ટૅલન્ટ ખોળી કાઢવા માટે માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) જ એકમાત્ર માધ્યમ છે?
હેડ-કોચ ગૌતમ ગંભીરને તેમ જ નવી કૅપ્ટન્સી સંભાળી રહેલા સુકાનીઓ તેમ જ ટીમના બોલર્સને એક સલાહ છે કે તમે દેશ-વિદેશમાં જ્યાં પણ રમો ત્યાં સ્ટેડિયમમાં (કે કૉમેન્ટરી બૉક્સમાં) સુનીલ ગાવસકર, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, હરભજન સિંહ વગેરે દિગ્ગજો બેઠા જ હોય છે એટલે (અહમ બાજુ પર રાખીને) કોઈ પણ પ્રકારની જરૂરી સલાહ માટે તેમની પાસે પહોંચી જતા અચકાતા નહી.



