શુક્રવારે અંતિમ ટી-20ઃ અમદાવાદમાં ભારતનો રેકૉર્ડ કેવો છે, જાણી લો

અમદાવાદઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારે લખનઊમાં ગાઢ ધુમ્મસને કારણે સિરીઝની ચોથી ટી-20 રમી જ ન શકાઈ, પણ હવે શુક્રવાર, 19મી ડિસેમ્બરે અમદાવાદમાં જે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે એ સિરીઝ માટે નિર્ણાયક બનશે અને એ સંદર્ભમાં ભારતનો હાથ ઉપર છે, કારણકે અમદાવાદમાં ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં ભારતનો રેકૉર્ડ ઘણો જ સારો છે.
છેલ્લે હાર્દિકના સુકાનમાં જીતેલા
અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાનારી મૅચમાં લખનઊ જેવી કોઈ અડચણ ઊભી ન થાય એ માટે હજારો પ્રેક્ષકો અને કરોડો દર્શકો પ્રાર્થના કરશે. અમદાવાદમાં લગભગ પોણાત્રણ વર્ષે ફરી ટી-20 રમાવાની છે. છેલ્લે ફેબ્રુઆરી, 2023માં ભારતે હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં ન્યૂ ઝીલૅન્ડને અહીં 168 રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું. ખુદ હાર્દિકે ચાર વિકેટ તેમ જ અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ બે-બે વિકેટ લીધી હતી.
સાતમાંથી પાંચ મૅચમાં વિજય
અમદાવાદમાં ભારત અત્યાર સુધીમાં કુલ સાત ટી-20 રમ્યું છે જેમાંથી પાંચ મૅચમાં ભારતે જીત હાંસલ કરી છે અને માત્ર બે મૅચમાં પરાજય જોવો પડ્યો છે. એ બન્ને પરાજય ઇંગ્લૅન્ડ સામે થયા હતા અને એ બન્ને મૅચમાં બ્રિટિશ ટીમે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
ભારત શ્રેણી હારશે નહીં
ભારત પાંચ મૅચની શ્રેણીમાં 2-1થી આગળ છે. અમદાવાદની મૅચ જીતીને ભારત સિરીઝની ટ્રોફી પર 3-1થી કબજો કરી શકશે. જો સાઉથ આફ્રિકા જીતશે તો સિરીઝ 2-2ની બરાબરી સાથે પૂરી થશે. એનો અર્થ એ છે કે ભારત આ શ્રેણી હારશે નહીં.
બુમરાહ માટે હોમ-ગ્રાઉન્ડ
શુભમન ગિલ બુધવારે પગના અંગૂઠાની ઈજાને કારણે નહોતો રમવાનો અને જસપ્રીત બુમરાહ અંગત કારણસર અમદાવાદમાં તેના ઘરે પાછો આવી ગયો હતો. આ બન્ને ખેલાડીમાંથી ગિલ તો સિરીઝની બહાર થઈ ગયો છે અને હવે શુક્રવારની પાંચમી મૅચમાં બુમરાહ રમશે કે કેમ એ જોવું રહ્યું. જોકે અમદાવાદ તેનું હોમ-ગ્રાઉન્ડ હોવાથી રમશે એવી તેના ચાહકો આશા રાખશે.
સૂર્યકુમાર પર સૌની નજર
સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ટી-20માં ભારતનો રેકૉર્ડ ઘણો જ સારો છે, પણ ખુદ સૂર્યાનું નબળું બૅટિંગ-ફૉર્મ ટીમ માટે મોટી ચિંતા છે. 2025ની સાલમાં સૂર્યા એકેય હાફ સેન્ચુરી નથી ફટકારી શક્યો.



