સ્પોર્ટસ

ઈડનમાં બે દિવસમાં પડી 26 વિકેટ, ભારત રવિવારે જીતી શકે

બીજા દાવમાં સાતમાંથી ચાર વિકેટ જાડેજાએ લીધી

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં પહેલા બે દિવસમાં ઢગલાબંધ (કુલ 26) વિકેટ પડી જેનું પરિણામ એ આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાને આ મૅચ જીતવાનો પૂરો મોકો મળ્યો છે, કારણકે શનિવારના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં ફક્ત 93 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને સરસાઈ બાદ કરતા તેમના માત્ર 63 રન હતા.

રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્રથમ દાવમાં વિકેટ નહોતો લઈ શક્યો, પણ શનિવારે તેણે માત્ર 27 રનમાં ચાર બૅટ્સમેનને પૅવિલિયન ભેગા કર્યા હતા. એક તબક્કે તેણે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. બે વિકેટ કુલદીપ યાદવે અને એક વિકેટ અક્ષર પટેલે લીધી હતી. ટૂંકમાં, ભારતના સ્પિનર્સના આક્રમણમાં સાઉથ આફ્રિકા (South Africa)ની ટીમ માનસિક પ્રેશરમાં આવી ગઈ હતી અને વિકેટ પછી વિકેટ ગુમાવી બેઠી હતી.

આ પણ વાંચો: ‘બાપુ’ બેમિસાલઃ જાડેજા ક્રિકેટની દુનિયામાં એવો પહેલો ઑલરાઉન્ડર છે જેણે…

રવિવારે મૅચનો ત્રીજો દિવસ છે અને આ દિવસે પહેલા કે બીજા સત્રમાં ભારતીય ટીમ જીતી શકે એમ છે. ભારતે (India) પ્રથમ દાવમાં 30 રનની સરસાઈ લીધી જેની બાદબાકી કરતા ટેમ્બા બવુમાની ટીમના બીજા દાવમાં 63 રન થયા છે અને એની માત્ર ત્રણ વિકેટ પડવાની બાકી છે. ભારતને સેકન્ડ ઇનિંગ્સમાં દબાણમાં લાવવા સાઉથ આફ્રિકાએ એને ઓછામાં ઓછા 125 રનનો લક્ષ્યાંક આપવો જોઈશે જે શક્ય નથી લાગતું.

ઈડનમાં શુક્રવારના પ્રથમ દિવસે 11 વિકેટ પડી હતી. સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ 159 રનના સ્કોર પર પૂરો થયા બાદ ભારતે એ દિવસે એક વિકેટે 37 રન કર્યા હતા. શનિવારે બીજા દિવસે વધુ 15 વિકેટ પડી હતી. આ 15માંથી આઠ વિકેટ ભારતની હતી. કૅપ્ટન શુભમન ગિલે ગરદનના દુખાવાને કારણે બૅટિંગ અધવચ્ચે જ છોડી દીધી હતી. ભારતનો દાવ 30 રનની સરસાઈ સાથે 189 રનના સ્કોર પર સમેટાયો હતો અને પછી બીજા દાવમાં સાઉથ આફ્રિકાનો સાતમી ઓવરથી ધબડકો શરૂ થઈ ગયો હતો.

આ પણ વાંચો: ભારતના છગ્ગા માસ્ટર્સમાં હવે રિષભ પંત સર્વશ્રેષ્ઠ

ઓપનર રાયન રિકલ્ટન (11 રન)ની પ્રથમ વિકેટ કુલદીપ યાદવે લીધી હતી, પણ પછીના ચારેય શિકાર જાડેજાએ કર્યા હતા. તેણે એઇડન માર્કરમ (4), વિઆન મુલ્ડર (11), ટૉની ડિ ઝોર્ઝી (બે) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (પાંચ)ને આઉટ કર્યા હતા. વિકેટકીપર કાઇલ વેરાઇન (9)ને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કર્યો હતો. દિવસની અંતિમ અને સાઉથ આફ્રિકાની સાતમી વિકેટ માર્કો યેનસેન (13)ની હતી જે કુલદીપે લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button