Top Newsસ્પોર્ટસ

અમદાવાદમાં હાર્દિકોત્સવઃ વરુણે પણ વટ રાખ્યો…

ભારતે અંતિમ મૅચ જીતીને સિરીઝની ટ્રોફી પર 3-1થી કર્યો કબજો

અમદાવાદઃ ભારતે અહીં શુક્રવારે સાઉથ આફ્રિકાને પાંચમી અને છેલ્લી રોમાંચક ટી-20માં 30 રનથી હરાવીને શ્રેણી 3-1થી જીતી લીધી હતી. માર્કરમની ટીમ 232 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 201 રન કરી શકી હતી.

હાર્દિક પંડ્યાએ ધમાકેદાર 63 રન કર્યા પછી ડેવાલ્ડ બ્રેવિસ (31 રન)ની મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. જોકે બોલિંગમાં ટી-20ના વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી (4-0-53-4) સૌથી સફળ હતો. જસપ્રીત બુમરાહે હોમ-ગ્રાઉન્ડ પર 17 રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિકની માફક અર્શદીપને પણ એક વિકેટ મળી હતી.

BCCI

ભારતને પ્રથમ બૅટિંગનું આમંત્રણ મળ્યા બાદ અભિષેક અને સૅમસને 63 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. તિલક વર્મા (73 રન, 42 બૉલ, એક સિક્સર, દસ ફોર) ટીમમાં હાઇએસ્ટ રન-મેકર હતો, પરંતુ હાર્દિક પંડ્યા સર્વત્ર છવાઈ ગયો હતો. ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે જે 231 રન કર્યા હતા એમાં હાર્દિકની ઇનિંગ્સ સૌથી ધમાલભરી હતી.

તેણે પાંચ ફોર અને પાંચ સિક્સરની મદદથી ફક્ત પચીસ બૉલમાં 63 રન કર્યા હતા. તેના 63માંથી 50 રન છગ્ગા-ચોક્કાથી બન્યા હતા. હાર્દિકે હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ સ્ટૅન્ડમાં બેઠેલી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા તરફ બૅટ બતાવીને ફ્લાઇંગ કિસ આપી હતી.

BCCI

તિલક-હાર્દિક વચ્ચેની ચોથી વિકેટ માટેની 105 રનની ભાગીદારીએ ભારતની ઇનિંગ્સમાં મોટો પલટો લાવી દીધો હતો. તેમણે 44 બૉલની ભાગીદારીમાં ટીમનો સ્કોર 115 પરથી 220 ઉપર લાવી દીધો હતો. અન્ય મુખ્ય રનકર્તાઓમાં સૅમસને 37 રન અને અભિષેકે 34 રન કર્યા હતા. શિવમ દુબેએ પણ થોડી ફટકાબાજી કરવાની તક ઝડપી લીધી હતી. તે ત્રણ બૉલમાં એક છગ્ગા અને એક ચોક્કા સાથે બનેલા 10 રને અણનમ રહ્યો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (પાંચ રન) ફરી એકવાર સારું રમવામાં નિષ્ફળ ગયો હતો.

BCCI

સાઉથ આફ્રિકાના ક્રિકેટરોનો ભારતમાં લાંબો પ્રવાસ હતો, જેમાં પ્રવાસી ટીમે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતીને ભારતને શરમમાં મૂકી દીધું ત્યાર બાદ ભારતે પહેલાં વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી અને હવે 3-1થી સિરીઝની ટ્રોફી પર 3-1ની સરસાઈ સાથે કબજો કર્યો.

ભારતે આ મૅચમાં હર્ષિતના સ્થાને બુમરાહને, ઈજાગ્રસ્ત ગિલના સ્થાને સૅમસનને અને કુલદીપના સ્થાને વૉશિંગ્ટન સુંદરને ટીમમાં સમાવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button