
સાઉથ આફ્રિકાને નિર્ણાયક મૅચમાં નવ વિકેટે હરાવ્યુંઃ ક્રિષ્ના-કુલદીપના તરખાટ પછી યશસ્વી, વિરાટ, રોહિતે અપાવ્યો આસાન વિજય
વિશાખાપટનમઃ ભારતે અહીં સાઉથ આફ્રિકાને ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં નવ વિકેટ અને 61 બૉલ બાકી રાખીને હરાવવાની સાથે શ્રેણીની ટ્રોફી 2-1થી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા (Team India)એ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી આ વિજય મેળવ્યો છે અને ટેસ્ટના 0-2ના વાઇટવૉશનો બદલો વન-ડે સિરીઝમાં લીધો હતો. ભારતીય ટીમે 271 રનનો લક્ષ્યાંક ખૂબ આસાનીથી, સંપૂર્ણ વર્ચસ્વ સાથે જડબેસલાક દેખાવ સાથે મેળવી લીધો હતો.
ભારતે 271 રનનો ટાર્ગેટ 39.1 ઓવરમાં (10.1 ઓવર બાકી રાખીને) ફક્ત રોહિત શર્મા (75 રન, 73 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પ્રથમ વન-ડે સેન્ચુરી ફટકારનાર યશસ્વી જયસ્વાલ (અણનમ 116, 121 બૉલ, બે સિક્સર, બાર ફોર) અને વિરાટ કોહલી (65 રન, 45 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની જોડીએ 116 રનની અતૂટ ભાગીદારીથી ટીમ ઇન્ડિયાનો વિજય સરળ બનાવ્યો હતો.
*Virat Kohli and Kuldeep Yadav break into some fun dance moves while celebrating the wicket *
— The Cricket Army (@Imsingh38) December 6, 2025
*Kuldeep Yadav’s spell:*
*10 overs*
*41 runs*
*4 wickets*
*_ (THE CRICKET ARMY) _* pic.twitter.com/qLm4zpxx0c
આ વિજયમાં પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (66 રનમાં ચાર વિકેટ) અને લેફ્ટ-આર્મ ચાઇનામૅન તરીકે જાણીતા સ્પિનર કુલદીપ યાદવ (41 રનમાં ચાર વિકેટ)ના પણ મહત્ત્વના યોગદાન હતા. અર્શદીપ સિંહને 36 રનમાં એક વિકેટ અને રવીન્દ્ર જાડેજાને 50 રનમાં એક વિકેટ મળી હતી. હર્ષિત રાણાને 44 રનમાં અને તિલક વર્માને 29 રનમાં વિકેટ નહોતી મળી.
સાઉથ આફ્રિકા (south Africa)ના ઓપનર ક્વિન્ટન ડિકૉક (106 રન, 89 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ની આક્રમક સેન્ચુરી પાણીમાં ગઈ હતી. બીજી વિકેટ માટે ડિકૉકે કૅપ્ટન ટેમ્બા બવુમા (67 બૉલમાં 48 રન) સાથે બીજી વિકેટ માટે 113 રનની પાર્ટનરશિપ કરી હતી જે છેવટે રોહિત-યશસ્વી વચ્ચેની 155 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને યશસ્વી-વિરાટ વચ્ચેની 116 રનની ભાગીદારી સામે ઝાંખી પડી ગઈ હતી. એ પહેલાં, સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ મળ્યા બાદ 47.5 ઓવરમાં 270 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.
યશસ્વીને મૅચનો, વિરાટને સિરીઝનો અવૉર્ડ
યશસ્વી જયસ્વાલની આ ચોથી જ વન-ડે હતી જેમાં તે પ્રથમ વન-ડે સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો. અગાઉની ત્રણ વન-ડેમાં તેની એક પણ હાફ સેન્ચુરી પણ નહોતી. તેને મૅન ઑફ ધ મૅચનો અને વિરાટ કોહલીને આખી શ્રેણીમાં બે સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીની મદદથી સૌથી વધુ 302 રન બનાવવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. કુલદીપ યાદવની નવ વિકેટ આખી સિરીઝમાં હાઇએસ્ટ હતી.
ભારત 21મી વન-ડેમાં પ્રથમ ટૉસ જીત્યું
બપોરે કે. એલ. રાહુલે ડાબા હાથે સિક્કો ઉછાળ્યો હતો અને પછી ટૉસ જીતી લેતાં ભારતીય ટીમની લગભગ બે વર્ષથી વન-ડેમાં ટૉસ હારવાની અનિચ્છનીય પરંપરા તૂટી હતી. ભારતે 20 વન-ડે બાદ પહેલી વાર ટૉસ જીતી લીધો હતો. ભારતીય ટીમ 2023ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલ પછી ક્યારેય વન-ડેમાં ટૉસ નહોતી જીતી.

હવે મંગળવારથી ટી-20 શ્રેણી
હવે બન્ને દેશ વચ્ચે મંગળવાર, નવમી ડિસેમ્બરથી પાંચ મૅચની ટી-20 સિરીઝ રમાશે. એ દિવસે પહેલી મૅચ કટકમાં રમાશે.



