શનિવારે સાઉથ આફ્રિકા સામે નિર્ણાયક વન-ડે…

ભારત હારશે તો 38 વર્ષમાં પહેલી વાર એક દેશ સામે સતત બે શ્રેણીમાં પરાજય
વિશાખાપટનમઃ અહીં સાઉથ આફ્રિકા સામે શનિવાર, છઠ્ઠી ડિસેમ્બરે રમાનારી નિર્ણાયક વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) જીતીને ભારતે 38 વર્ષથી ચાલી આવતી એક અનોખી પરંપરા જાળવવાની છે અને જો એમાં રાહુલ ઍન્ડ કંપની નિષ્ફળ જશે તો છઠ્ઠા ક્રમના સાઉથ આફ્રિકા સામે નંબર-વન ભારત શરમજનક સ્થિતિમાં મુકાશે.
એક હરીફ ટીમની ટૂરમાં ભારત ઘરઆંગણે ટેસ્ટ અને વન-ડે બન્ને સિરીઝ હાર્યું હોય એવું છેક 1987માં (પાકિસ્તાન સામે) બન્યું હતું અને ત્યાર પછી 38 વર્ષમાં ક્યારેય ફરી નથી બન્યું, પરંતુ આજે વિરાટ અને રોહિત જેવા દિગ્ગજોની હાજરીમાં એ પરંપરા જાળવવી પડશે.
બીજી બાજુ, શ્રેણી અત્યારે 1-1ની બરાબરીમાં છે અને સાઉથ આફ્રિકાને ભારત (India)માં ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ જીતવાની અનેરી તક મળી છે.
ભારત છેલ્લી સતત 20 મૅચમાં ટૉસ હાર્યું છે. વન-ડેમાં ભારત છેલ્લે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટૉસ જીત્યું હતું.

પિચ કેવી હોઈ શકે
વિશાખાપટનમ (Visakhapatnam)માં રાંચી અને રાયપુરની સરખામણીમાં થોડું ગરમ હવામાન રહેવાની સંભાવના છે. જોકે ક્રિકેટ મૅચ રમવા માટે પરફેક્ટ કહી શકાય એવા વાતાવરણમાં હાઈ-સ્કોરિંગ મૅચ થવાની સંભાવના છે. 2019ના ડિસેમ્બરમાં ભારતીય ટીમે આ જ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામે 387 રન કર્યા હતા, જ્યારે માર્ચ, 2023માં ઑસ્ટ્રેલિયા સામે અહીં ભારતીય ટીમ માત્ર 117 રનમાં આઉટ થઈ ગઈ હતી. જોકે શનિવારે બન્ને ટીમના બૅટ્સમેનોની અસલ તાકાત જોવા મળશે એમાં બેમત નથી.



