ભારતને પરાજયથી બચાવવા સુદર્શન-જાડેજાની જોરદાર લડત…

ગુવાહાટી: વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામે અહીં છેલ્લી ટેસ્ટમાં ભારતે 549 રનના તોતિંગ અને અશક્ય લક્ષ્યાંક સામે 90 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે, પરંતુ સાઈ સુદર્શન તથા રવીન્દ્ર જાડેજા ટીમને હારથી બચાવવા (ટેસ્ટને ડ્રોમાં લઈ જવા) લડત આપી રહ્યા છે.
ટેમ્બા બવુમાની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા સિરીઝ-વિજયથી હવે બહુ દૂર નથી. ગણતરીના કલાકોમાં ટ્રોફી સાઉથ આફ્રિકાના ખેલાડીઓના હાથમાં હશે. તેઓ અત્યારે 0-1થી આગળ છે. સાઉથ આફ્રિકાનો ભારતમાં છેલ્લે 2000ની સાલમાં હન્સી ક્રોન્યેના સુકાનમાં ટેસ્ટ સિરીઝમાં વિજય થયો હતો.
તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાને ડબલ્યુટીસીની ફાઈનલમાં હરાવીને વિશ્વવિજેતા બનેલા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ હવે ભારતમાં પોતાના દેશને 25 વર્ષમાં પહેલો ટેસ્ટ-શ્રેણી (Test series) વિજય અપાવવાની તૈયારીમાં છે.
20 મિનિટના ટી-બ્રેક વખતે સુદર્શન (SUDARSHAN) 14 રન પર રમી રહ્યો હતો. તેણે આ 14 રન 138 બૉલમાં એક ફોરની મદદથી કર્યા છે. જાડેજા (Jadeja) 40 બૉલમાં એક છગ્ગાની મદદથી બનાવેલા 23 રન પર રમી રહ્યો છે.
ભારતે જે પાંચ વિકેટ ગુમાવી એમાં યશસ્વી (13), રાહુલ (6), કુલદીપ (5), ધ્રુવ જુરેલ (2) અને કાર્યવાહક કેપ્ટન રિષભ પંત (13)નો સમાવેશ છે.
ભારતની પાંચમાંથી ચાર વિકેટ સ્પિનર સાઈમન હાર્મરે અને એક વિકેટ પેસ બોલર માર્કો યેનસેને લીધી છે.



