સ્પોર્ટસ

ભારત માટે બીજી ટેસ્ટ જીતવી વધુ મુશ્કેલ થઈ, આ ફાસ્ટ બોલર હરીફ ટીમમાં આવી ગયો છે…

ગુવાહાટીઃ રવિવારે કોલકાતામાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે જે પ્રથમ ટેસ્ટ માત્ર અઢી દિવસમાં હારી ગઈ એમાં મુખ્ય ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (Rabada) ઈજાને કારણે નહોતો રમ્યો, પરંતુ હવે ગુવાહાટી (Guwahati)માં શનિવારે શરૂ થનારી બીજી ટેસ્ટ (Test)માં ભારતીય ટીમનું જીતવું વધુ મુશ્કેલ થઈ ગયું છે એમ કહી શકાય. કારણ એ છે કે પ્રવાસી ટીમના મૅનેજમેન્ટે રબાડાના સ્થાને લુન્ગી ઍન્ગિડી (Ngidi)ને ટીમમાં સમાવ્યો છે.

ઍન્ગિડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો એનો અર્થ એ થાય છે કે રબાડા પાંસળીની ઈજાને કારણે બીજી ટેસ્ટ પણ ગુમાવશે. વર્લ્ડ ચૅમ્પિયન ટીમમાં ત્રણ પેસ બોલર સામેલ છે જ અને એમાં માર્કો યેનસેન, કૉર્બિન બૉશ્ચ અને વિઆમ મુલ્ડરનો સમાવેશ છે.

29 વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર ઍન્ગિડી કરીઅરમાં કુલ 20 ટેસ્ટ રમ્યો છે જેમાંથી 2024માં ભારત સામે રમીને ટેસ્ટમાં કમબૅક કર્યા પછી તે ત્રણ જ મૅચ રમ્યો છે. છેલ્લી ટેસ્ટ તે જૂનમાં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં રમ્યો હતો જેમાં તેને પ્રથમ દાવમાં 45 રનમાં એક પણ વિકેટ નહોતી મળી, પણ બીજી ઇનિંગ્સમાં તેણે 38 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેના એ ત્રણ શિકારમાં સ્ટીવ સ્મિથ (13), બ્યૂ વેબસ્ટર (9) અને કૅપ્ટન પૅટ કમિન્સ (6)નો સમાવેશ હતો.

જોકે ઍન્ગિડી બહુ સારી મૅચ-પ્રૅક્ટિસ કરીને આવ્યો છે. ઑક્ટોબર-નવેમ્બરમાં તે પાકિસ્તાનમાં વન-ડે તથા ટી-20 સિરીઝ રમ્યો હતો અને તાજેતરમાં એક ટી-20 સ્પર્ધામાં રમીને ભારત આવ્યો છે.

કોલકાતામાં સ્પિનર્સને વધુ મદદ અપાવતી પિચ પર સાઉથ આફ્રિકાના પેસ બોલર્સે કુલ 40 ઓવરમાં છ વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button