સાઉથ આફ્રિકાનો મજબૂત આરંભ, પહેલી વિકેટ લીધી બુમરાહે…

ગુવાહાટી: ભારત સામે અહીં શરૂ થયેલી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચ (સવારે 9.00 વાગ્યાથી લાઈવ)માં સાઉથ આફ્રિકાએ બૅટિંગ પસંદ કર્યાં બાદ ખૂબ સારી શરૂઆત કરી છે. ભારતની પ્લેઈંગ ઇલેવનમાં બે ફેરફાર કરાયા છે.
પહેલો એક કલાક સંપૂર્ણપણે ઓપનર્સ એઇડન માર્કરમ અને રાયન રિકલ્ટનનો હતો અને ત્યાર પછી પણ તેમણે ટીમની ઇનિંગ્સ વધુ મજબૂત કરી હતી. જોકે 82 રનના કુલ સ્કોર પર માર્કરમ (38 રન, 81 બૉલ, પાંચ ફોર)ને જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો.

માર્કરમ-રિકલ્ટને 50 રનની અતૂટ ભાગીદારી 97 બૉલમાં પૂરી કરી હતી. 11.00 વાગ્યે (લંચ-બ્રેક નહીં પણ) ટી-બ્રેક શરૂ થયો હતો. આ બ્રેકની થોડી ક્ષણો પહેલાં માર્કરમે (Markram) વિકેટ ગુમાવી હતી. રાયન રિકલ્ટન (Rickleton) 35 રન પર રમી રહ્યો હતો.
અક્ષરના સ્થાને નીતીશ
કેપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને લીધે ન રમ્યો હોવાથી તેના સ્થાને સાઈ સુદર્શનને ટીમમાં સમાવવામાં આવ્યો છે. અક્ષર પટેલના સ્થાને પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને રમવાનો મોકો અપાયો છે. ટીમમાં ત્રણ પેસર અને ત્રણ સ્પિનર સામેલ છે.
સાઉથ આફ્રિકાએ કૉર્બીન બૉશ્ચની જગ્યાએ સ્પિન ઑલરાઉન્ડર સેનુરન મુથુસામીને ઇલેવનમાં સમાવ્યો છે.
આ મૅચ માટેના અનોખા શેડયૂલ અનુસાર બપોરે 1.20 વાગ્યે લંચ-બ્રેક પડશે.
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, નીતીશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકાઃ ટેમ્બા બવુમા (કૅપ્ટન), એઇડન માર્કરમ, રાયન રિકલ્ટન, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, ટૉની ડી ઝોર્ઝી, ટ્રિસ્ટેન સ્ટબ્સ, કાઇલ વેરાઇન (વિકેટકીપર), માર્કો યેનસેન, સાઇમન હાર્મર, કેશવ મહારાજ.



