સ્પોર્ટસ

ગુરુવારે બીજી ટી-20ઃ હાર્દિક અને અર્શદીપ કયા બે વિક્રમની તલાશમાં છે જાણો છો?

ન્યૂ ચંડીગઢઃ ભારતે મંગળવારે કટકમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટી-20માં સંપૂર્ણ પ્રભુત્વ સાથે 101 રનથી વિજય મેળવ્યો ત્યાર બાદ હવે ગુરુવાર, 11મી ડિસેમ્બરે પંજાબમાં ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર (Mullanpur) શહેરના મહારાજા યદવિન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત ફરી એક વખત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીતીને શ્રેણીમાં સરસાઈ વધારીને 2-0ની કરવા કોઈ કસર બાકી નહીં રાખે. સાથોસાથ, ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને અને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh)ને અલગ પ્રકારની રેકૉર્ડ પોતાના નામે કરવાની સુંદર તક પણ મળશે.

મૅચવિનર હાર્દિકે પાંચ બોલરની ખબર લઈ નાખી

મંગળવારે ભારતે પાંચમા રન પર શુભમન ગિલની, 17મા રને કૅપ્ટન સૂર્યકુમાર યાદવની અને 48મા રને અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યાર બાદ તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે અને છેલ્લે હાર્દિકની સાથે અણનમ રહેલા જિતેશ શર્માની સાધારણ ઇનિંગ્સને બાજુ પર રાખીએ તો જે કંઈ બન્યું એ ક્રિકેટપ્રેમીઓ લાંબા સમય સુધી નહીં ભૂલે. બે મહિને ટીમ ઇન્ડિયામાં પાછા ફરેલા હાર્દિકે સાઉથ આફ્રિકાના બોલર્સ ખબર લઈ નાખી હતી.

સાઉથ આફ્રિકાના કુલ છ બોલરે (ઍન્ગિડી, યેનસેન, સિપામ્લા, નૉર્કિયા, કેશવ મહારાજ, ડૉનોવાન ફરેરા) બોલિંગ કરી હતી અને મૅન ઑફ ધ મૅચ હાર્દિક એમાંના પાંચને ભારે પડ્યો હતો. હાર્દિકે 28 બૉલમાં ચાર સિક્સર અને છ ફોરની મદદથી 59 રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. તેની હિટિંગને લીધે જ ભારતીય ટીમ પોણાબસોના ટોટલ સુધી પહોંચી શકી હતી. ભારતે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં છ વિકેટે 175 રન કર્યા હતા.

સાઉથ આફ્રિકાની ટીમ જવાબમાં 75 રન સુધી પણ નહોતી પહોંચી શકી અને 12.3 ઓવરમાં 74 રનમાં પ્રવાસી ટીમનો વીંટો વળી ગયો હતો. બૅટિંગમાં કમાલ દેખાડનાર હાર્દિકને અને છેલ્લે શિવમ દુબેને એક વિકેટ મળી હતી, પણ એ પહેલાં અર્શદીપ, બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લઈને ભારતની જીત આસાન બનાવી હતી.

હાર્દિકને ફક્ત એક વિકેટની જરૂર

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફક્ત ત્રણ ખેલાડી એવા છે જેમણે 100 સિકસર ફટકારવા ઉપરાંત 100 વિકેટ પણ લીધી છે. પાકિસ્તાનમાં જન્મેલો ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા, અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી અને મલયેશિયાનો વિરણદીપ સિંહ આ ડબલ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. હવે વાત એવી છે કે હાર્દિક ગુરુવારે એક વિકેટ લેશે એટલે આ ત્રણ ખેલાડીની હરોળમાં આવી જશે.

અર્શદીપ તોડી શકે ભુવીનો રેકૉર્ડ

હવે અર્શદીપ સિંહની વાત પર આવીએ. મંગળવારે કટકમાં એઇડન માર્કરમની ટીમને શરૂઆતમાં પહેલા બે ઝટકા અર્શદીપે જ આપ્યા હતા. તેણે ક્વિન્ટન ડિકૉક (0) અને ટિસ્ટેન સ્ટબ્સ (14 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. હવે મૂળ વાત પર આવીએ તો ભારત વતી પાવરપ્લેમાં (ઓવર 1-6 દરમ્યાન) સૌથી વધુ વિકેટ લેનારાઓમાં ભુવનેશ્વર કુમાર 47 વિકેટ સાથે મોખરે છે. અર્શદીપે પણ 47 વિકેટ લીધી છે એટલે ગુરુવારે માત્ર એક વિકેટ તેને ભુવીથી આગળ કરી દેશે.

બુમરાહની 101 વિકેટ, ભારતનો 101 રનથી વિજય

જસપ્રીત બુમરાહ તો એવરગ્રીન છે જ. મંગળવારે તે પહેલા સ્પેલમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો, પણ ત્યાર બાદ બીજા સ્પેલની પહેલી ઓવરના ત્રીજા જ બૉલથી તેણે પણ ત્રાટકવાનું શરૂ કરી દીધું હતું. તેણે બીજા બૉલમાં ડેવાલ્ડ બ્રેવિસ (બાવીસ રન)ની વિકેટ લીધી હતી. બુમરાહની એ 100મી ટી-20 વિકેટ હતી. પાંચમા બૉલમાં તેણે કેશવ મહારાજ (0)ને પણ પૅવિલિયન ભેગો કરી દીધો હતો. બુમરાહની એ 101મી વિકેટ હતી અને ભારતના વિજયનો માર્જિન પણ 101 રન હતો.

આ પણ વાંચો…રૅન્કિંગ્સમાં કોહલીની વિરાટ છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button