સ્પોર્ટસ

ભારત નબળી બોલિંગ અને ખરાબ ફીલ્ડિંગને કારણે હાર્યું…

સાઉથ આફ્રિકાના બૅટ્સમેનો ફાઇટિંગ સ્પિરિટથી જીત્યા અને સિરીઝ 1-1થી લેવલ કરી

રાયપુરઃ છત્તીસગઢના રાયપુર (Raipur)માં ભારતે સિરીઝની બીજી વન-ડેમાં આપેલો 359 રનનો તોતિંગ લક્ષ્યાંક (ચૉકર્સ તરીકેની છાપ ભૂંસાવી ચૂકેલા) સાઉથ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં 49.2 ઓવરમાં 6/362ના સ્કોર સાથે મેળવી લીધો હતો અને સિરીઝ 1-1થી સમકક્ષ કરી હતી. ભારતની બૅટિંગ ફરી એક વાર સારી હતી.

પરંતુ બુમરાહ તેમ જ શમી, સિરાજ જેવા અનુભવીઓ વિનાની નિસ્તેજ પેસ બોલિંગ એકંદરે નબળી પુરવાર થઈ હતી તેમ જ સ્પિનર્સ પણ ધાર્યું પરિણામ નહોતા લાવી શક્યા જેને કારણે છેવટે ભારતે (India) છેલ્લી ઓવરમાં શરણાગતિ સ્વીકારવી પડી હતી. ટેમ્બા બવુમાની ટીમ ચાર બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને જીત્યા હતા. ત્રીજી અને છેલ્લી વન-ડે શનિવારે વિશાખાપટનમમાં રમાશે.

ઓપનર માર્કરમ (110 રન, 98 બૉલ, ચાર સિક્સર, દસ ફોર), મૅથ્યૂ બ્રીટ્ઝકી (68 રન, 64 બૉલ, પાંચ ફોર), બવુમા (46 રન, 48 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), ડેવાલ્ડ બે્રવિસ (54 રન, 34 બૉલ, પાંચ સિક્સર, એક ફોર), કૉર્બિન બૉશ્ચ (29 અણનમ, 15 બૉલ, ચાર ફોર), ટૉની ડિ ઝોર્ઝી (રિટાયર્ડ હર્ટ) (17 રન, 11 બૉલ, એક સિક્સર), કેશવ મહારાજ (10 અણનમ, 14 બૉલ)ના પર્ફોર્મન્સને કારણે ભારતીય ટીમને આ બીજી જ મૅચમાં સિરીઝ નહોતી જીતવા મળી. ખાસ કરીને બ્રેવિસની પાંચ સિક્સરની ફટકાબાજી ભારતને ભારે પડી હતી. અર્શદીપ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ અને હર્ષિતે એક વિકેટ લીધી હતી. જોકે ત્રણેયે 50થી વધુ રન આપ્યા હતા. કુલદીપને 78 રનમાં એક જ વિકેટ મળી હતી.

વૉશિંગ્ટન સુંદરે અર્શદીપના બૉલમાં આસાન કૅચ છોડ્યો હતો. ભારતીય ફીલ્ડરોએ ખરા સમયે રનઆઉટના બે ચાન્સ પણ ગુમાવ્યા હતા. ટીમ ઇન્ડિયાના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર ગણાતો રવીન્દ્ર જાડેજા પણ દિશા ભૂલતો જોવા મળ્યો હતો. જોકે મેદાન પર ભેજને કારણે જે ભીનાશ હતી એ પણ ભારતીય ફીલ્ડર્સ માટે નડતરરૂપ હતી.

બન્ને ટીમના રનનો સરવાળો 720 રન થયો હતો અને આ બે દેશ વચ્ચેની વન-ડે ક્રિકેટમાં આ નવો વિક્રમ છે. રાંચીની પ્રથમ વન-ડેમાં પ્રવાસી ટીમ 350 રનના લક્ષ્યાંકથી માત્ર 17 રન દૂર રહી ગઈ હતી.

એ પહેલાં, ભારતીય ટીમે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં પાંચ વિકેટે 358 રન કર્યા હતા. પહેલાં ઋતુરાજ ગાયકવાડ (105 રન, 83 બૉલ, 102 મિનિટ, બે સિક્સર, બાર ફોર) પ્રથમ વન-ડે સદી પૂરી કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો ત્યાર બાદ થોડી વાર બાદ વિરાટ કોહલી (102 રન, 93 બૉલ, 143 મિનિટ, બે સિક્સર, સાત ફોર)એ પણ 53મી વન-ડે સેન્ચુરી પૂરી કર્યા પછી વિકેટ ગુમાવી દીધી હતી. કિંગ કોહલીએ બૅક ટુ બૅક સેન્ચુરી ફટકારી હતી. વન-ડેમાં તેની 53 સેન્ચુરી થઈ છે અને એ સાથે તેણે પોતાના વિશ્વવિક્રમને વધુ મજબૂત કર્યો છે. કોહલી (kohli)ની કુલ આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા 84 ઉપર પહોંચી છે. સચિન તેન્ડુલકરનો 100 ઇન્ટરનૅશનલ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ છે. રવિવારે રાંચીની પ્રથમ વન-ડેમાં કોહલીએ મૅચ-વિનિંગ 135 રન કર્યા હતા. કોહલી અને ગાયકવાડ વચ્ચે 156 બૉલમાં 195 રનની પાર્ટનરશિપ થઈ હતી.

કૅપ્ટન કે. એલ. રાહુલ (66 અણનમ, 43 બૉલ, 65 મિનિટ, બે સિક્સર, છ ફોર)એ એક છેડો સંભાળી રાખ્યો હતો અને ધબડકો રોક્યો હતો. તેને વૉશિંગ્ટન સુંદર (એક રન)નો સાથ નહોતો મળ્યો, પણ ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા (24 અણનમ, 27 બૉલ, 39 મિનિટ, બે ફોર) સાથે રાહુલે છઠ્ઠી વિકેટ માટે 69 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

સાઉથ આફ્રિકા વતી માર્કો યેનસેને સૌથી વધુ બે વિકેટ તેમ જ નૅન્ડ્રે બર્ગર તથા લુન્ગી ઍન્ગિડીએ એક-એક વિકેટ લીધી હતી. રોહિત શર્મા (આઠ બૉલમાં 14 રન) સારું નહોતો રમ્યો. સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ (38 બૉલમાં બાવીસ રન) સાથે રોહિતની 40 રનની સાધારણ ભાગીદારી થઈ હતી.

ભારત હારી જતાં વિરાટ અને ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર સદી એળે ગઈ હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button