ઋતુરાજ-વિરાટની ધમાકેદાર સદી બાદ ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 359 રનનો લક્ષ્યાંક…

રાયપુરઃ છત્તીસગઢના રાયપુર (Raipur)માં ભારતે સિરીઝની બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને જીતવા 359 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. રાંચીની પ્રથમ વન-ડેમાં પ્રવાસી ટીમ 350 રનના લક્ષ્યાંકથી માત્ર 17 રન દૂર રહી ગઈ હતી અને હવે આજે પણ બૅટિંગ પિચ પર રસાકસી થવાની સંભાવના છે. ભારતીય ટીમે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં પાંચ વિકેટે 358 રન કર્યા હતા.
પહેલાં ઋતુરાજ ગાયકવાડ (105 રન, 83 બૉલ, 102 મિનિટ, બે સિક્સર, બાર ફોર) પ્રથમ વન-ડે સદી પૂરી કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો ત્યાર બાદ થોડી વાર બાદ વિરાટ કોહલી (102 રન, 93 બૉલ, 143 મિનિટ, બે સિક્સર, સાત ફોર)એ પણ 53મી વન-ડે સેન્ચુરી પૂરી કર્યા પછી વિકેટ ગુમાવી દીધી હતી.
કિંગ કોહલી (kohli)એ બૅક ટુ બૅક સેન્ચુરી ફટકારી છે. વન-ડેમાં તેની 53 સેન્ચુરી થઈ છે અને એ સાથે તેણે પોતાના વિશ્વવિક્રમને વધુ મજબૂત કર્યો છે. કોહલીની કુલ આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા 84 ઉપર પહોંચી છે. સચિન તેન્ડુલકરનો 100 ઇન્ટરનૅશનલ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ છે. રવિવારે રાંચીની પ્રથમ વન-ડેમાં કોહલીએ મૅચ-વિનિંગ 135 રન કર્યા હતા. આજે કોહલી અને ગાયકવાડ (Gaikwad) વચ્ચે 156 બૉલમાં 195 રનની પાર્ટનરશિપ થઈ હતી.
ઋતુરાજ અને કોહલીની વિકેટ ટૂંકા અંતરમાં પડ્યા બાદ કૅપ્ટન કે. એલ. રાહુલ (66 અણનમ, 43 બૉલ, 65 મિનિટ, બે સિક્સર, છ ફોર)એ એક છેડો સંભાળી રાખ્યો હતો અને ધબડકો રોક્યો હતો. તેને વૉશિંગ્ટન સુંદર (એક રન)નો સાથ નહોતો મળ્યો, પણ ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા (24 અણનમ, 27 બૉલ, 39 મિનિટ, બે ફોર) સાથે રાહુલે છઠ્ઠી વિકેટ માટે 69 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
સાઉથ આફ્રિકા વતી માર્કો યેનસેને સૌથી વધુ બે વિકેટ તેમ જ નૅન્ડ્રે બર્ગર તથા લુન્ગી ઍન્ગિડીએ એક-એક વિકેટ લીધી હતી. રોહિત શર્મા (આઠ બૉલમાં 14 રન) આજે સારું નહોતો રમ્યો. સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ (38 બૉલમાં બાવીસ રન) સાથે રોહિતની 40 રનની સાધારણ ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો…આઇસીસી રૅન્કિંગમાં વિરાટની છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે



