સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયનોનો ભારતમાં ઇતિહાસ ખરાબ છેઃ શુક્રવારથી પ્રથમ ટેસ્ટ

ભારતની ધરતી પર સાઉથ આફ્રિકાની છ વર્ષે પહેલી ટેસ્ટ

કોલકાતાઃ ટેમ્બા બવુમાના સુકાનમાં ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાની ટીમ શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) ભારત સામે પ્રથમ ટેસ્ટ (Test) મૅચ સાથે સિરીઝની શરૂઆત કરશે, પરંતુ એના આરંભ પહેલાં જ પ્રવાસીઓને નિરાશ કરી મૂકે એવી એક બાબત એ છે કે ભારતમાં તેમનો ઇતિહાસ જરાય સારો નથી. સાઉથ આફ્રિકા ભારત (India)માં છેલ્લી સાતમાંથી છ ટેસ્ટ હાર્યા છે.

બીજી નવાઈની વાત એ છે ભારતમાં છેલ્લી સાતમાંથી એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે. ટૂંકમાં, 2015થી માંડીને 2019 સુધીમાં સાઉથ આફ્રિકા (South Africa)ને ભારતમાં સાતમાંથી એક પણ ટેસ્ટ જીતવામાં સફળતા નથી મળી. ઑક્ટોબર, 2019માં રાંચીમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતનો ફાફ ડુ પ્લેસીની સાઉથ આફ્રિકન ટીમ સામે એક દાવ અને 202 રનથી પરાજય થયો ત્યાર પછી સાઉથ આફ્રિકાની ટીમ છ વર્ષમાં ક્યારેય ભારતમાં ટેસ્ટ રમવા નહોતી આવી. 2019ની એ ટેસ્ટમાં ટેમ્બા બવુમા માત્ર ખેલાડી હતો, પણ તેના સુકાનમાં સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) જીતી લીધી અને હવે શુક્રવારે શરૂ થનારી કોલકાતાની ટીમમાં પણ તે જ કૅપ્ટન છે.

આ પણ વાંચો: કોલકાતામાં ટેસ્ટ મૅચ પર આઇપીએલની દોડધામ હાવી થઈ

ભારતની ટીમમાં બે વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત અને ધ્રુવ જુરેલ સામેલ છે. ખરેખર તો કે. એલ. રાહુલ પણ વિકેટકીપિંગ કરતો હોય છે એટલે ટીમમાં ત્રણ રેગ્યુલર વિકેટકીપર છે એમ કહી શકાય. સાઉથ આફ્રિકાની ટીમની બૅટિંગ લાઇન-અપ મજબૂત છે અને તેઓ પાકિસ્તાન સામેની ટેસ્ટ જીતીને ભારત આવ્યા છે એટલે તેમનો જુસ્સો બુલંદ છે.

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કે. એલ. રાહુલ, રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકાઃ ટેમ્બા બવુમા (કૅપ્ટન), એઇડન માર્કરમ, રાયન રિકલ્ટન, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ટૉની ડિ ઝોર્ઝી, કાઇલ વેરેની (વિકેટકીપર), સેનુરન મુથુસામી, સિમોન હાર્મર, માર્કો યેનસેન, કેશવ મહારાજ અને કૅગિસો રબાડા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button