Top Newsસ્પોર્ટસ

કટકમાં સાઉથ આફ્રિકાને ભારતનો જોરદાર કરન્ટ, 101 રનથી હરાવ્યું…

કટકઃ ભારતે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીની જેમ ટી-20 સિરીઝમાં પણ વિજયી શ્રીગણેશ કર્યા છે. ગઈ કાલે ભારતનો 101 રનથી વિજય થયો હતો. કટકની આ મૅચમાં ભારતે બૅટિંગ મળ્યા પછી શરૂઆતના ધબડકા જોવા પડ્યા ત્યાર બાદ હાર્દિક પંડ્યા (59 અણનમ, 28 બૉલ, ચાર સિક્સર, છ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી પ્રવાસી ટીમને 176 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.

જોકે સાઉથ આફ્રિકાના બૅટ્સમેનો સાવ પાણીમાં બેસી ગયા હતા. તેઓ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ટીમ ઇન્ડિયા (Team India)ને જરાય લડત નહોતા આપી શક્યા અને ધાર્યા કરતાં વહેલા ઑલઆઉટ થઈ ગયા હતા. 176 રનના ટાર્ગેટનો સામનો કરવા મેદાને પડેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 12.3 ઓવરમાં ફક્ત 74 રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

BCCI

સાઉથ આફ્રિકાની ટીમે છેલ્લી પાંચ વિકેટ 18 બૉલ અને સાત રનમાં ગુમાવી હતી.

ભારતના તમામ છ બોલરે વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે શરૂઆતમાં સાઉથ આફ્રિકાને બે આંચકા આપ્યા ત્યાર બાદ બે સ્પિનર અક્ષર પટેલ તથા વરુણ ચક્રવર્તીએ બાજી સંભાળી હતી અને તેમણે બે-બે વિકેટ મેળવી હતી. જસપ્રીત બુમરાહને જે બીજો સ્પેલ આપવામાં આવ્યો એમાં તેણે પણ બે વિકેટ મેળવી હતી. હાર્દિક પંડ્યાને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મોરચા પર મૂક્યો ત્યારે તેણે ડેવિડ મિલરને પહેલા જ બૉલમાં પૅવિલિયન ભેગો કર્યો હતો.

એ તબક્કે, ગયા વર્ષના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ યાદ આવી ગઈ જેમાં મિલરને હાર્દિકે (Hardik) જ બાઉન્ડરી લાઇનને આરપાર જઈને ઍથ્લીટ જેવી ચપળતા અને સમયસૂચકતા બતાવનાર સૂર્યકુમારના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. અધૂરામાં પૂરું, શિવમ દુબેને મૅચમાં પહેલી વાર બોલિંગ આપવામાં આવી અને તેણે ત્રીજા બૉલ પર લુથો સિપામ્લાને આઉટ કરી દીધો હતો. એ સાથે, ભારતે 7.3 ઓવર બાકી રાખીને સાઉથ આફ્રિકાના દાવ પર પડદો પાડી દીધો હતો. હવે બીજી ટી-20 ગુરુવારે ન્યૂ ચંડીગઢમાં રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button