સ્પોર્ટસ

આજની ટી-20 મૅચથી ગિલ-હાર્દિકના કમબૅક, વર્લ્ડ કપનું રિહર્સલ શરૂ…

કટકઃ ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારત તથા સાઉથ આફ્રિકા વચ્ચે આજે (સાંજે 7.00 વાગ્યાથી) અહીં ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે અને એ સાથે શુભમન ગિલ (Gill)નું ગરદનની ઈજા બાદ ટીમમાં કમબૅક થશે, જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ લગભગ બે મહિના પછી ફરી ફિટ થઈને પાછો રમતો જોવા મળશે.

એક તરફ સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપની પાંચ મૅચની આ લાંબી સિરીઝ જીતીને સાઉથ આફ્રિકનોને આ પ્રવાસમાં ત્રણમાંથી કુલ બે શ્રેણીના પરાજય સાથે વીલા મોઢે પાછા મોકલવા કોઈ કસર નહીં છોડે. તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં સાઉથ આફ્રિકાનોઅને વન-ડે શ્રેણીમાં ભારતનો વિજય થયો હતો.

એઇડન માર્કરમની ટીમ આ સિરીઝમાં ફક્ત એક મૅચ જીતીને મોટી સિદ્ધિ મેળવવા મક્કમ છે. ભારત (India) સામે ટી-20માં સૌથી વધુ વિજય મેળવનારા દેશોમાં સાઉથ આફ્રિકા હાલમાં ઑસ્ટ્રેલિયાની બરાબરીમાં છે. માર્કરમની ટીમ એક મૅચ જીતશે એટલે ભારત સામે તેમણે સૌથી વધુ 13 ટી-20 મૅચ જીતી કહેવાશે. ઑસ્ટ્રેલિયાએ ભારત સામે અત્યાર સુધીમાં 12 મૅચ જીતી છે.

ટી-20માં ભારતનો સુવર્ણકાળ

આગામી ફેબ્રુઆરીમાં ભારતમાં અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ટી-20નો જે વર્લ્ડ કપ રમાવાનો છે એ પહેલાં ભારતીય ટીમ કુલ 10 ટી-20 રમવાની છે જેમાંની પાંચ સાઉથ આફ્રિકા સામે રમાયા પછી બીજી પાંચ મૅચ ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે. ત્યાર પછી ભારતીયો છેક સાતમી ફેબ્રુઆરીએ વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ સામે વિશ્વ કપની મૅચ રમશે.

2024ના ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માના સુકાનમાં અને રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ ભારતની ટી-20 ટીમ કુલ 26 ટીમ રમી છે જેમાંથી ફક્ત ચાર મૅચમાં ભારતનો પરાજય થયો છે. દુબઈના એશિયા કપમાં સૂર્યકુમારની કૅપ્ટન્સીમાં ભારતે પાકિસ્તાનને ઉપરાઉપરી ત્રણ પછડાટ આપવા સહિત કુલ તમામ સાત મૅચ જીતી લીધી હતી.

ગિલ-હાર્દિકના પર્ફોર્મન્સ પર નજર

શુભમન ગિલે 33 ટી-20 મૅચમાં કુલ 837 રન કર્યા છે અને અભિષેક શર્મા સાથેના ઓપનિંગમાં ક્રિકેટપ્રેમીઓને આક્રમક ફટકાબાજી અને બૅટિંગ ટેક્નિક સહિતની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે તાજેતરની ઑસ્ટ્રેલિયા-ટૂરમાં અભિષેકે કુલ 163 રન કર્યા હતા અને તાજેતરમાં જ તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 250.00 જેટલા સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 304 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાના કમબૅક સાથે ટીમને ફરી મુખ્ય ઑલરાઉન્ડર મળી ગયો છે. તેના સમાવેશથી ટીમને સારું સંતુલન મળી રહેતું હોય છે.

સૂર્યકુમારની ધમાકેદાર ઇનિંગ્સની તલાશ

કૅપ્ટન સૂર્યકુમાર યાદવ આ વર્ષની આઇપીએલમાં જેવું રમ્યો એની તુલનામાં આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચોમાં તેનો પર્ફોર્મન્સ જોઈએ એવો નથી જોવા મળ્યો. તેણે આઇપીએલની 2025ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી 717 રન કર્યા હતા. જોકે ગયા વર્ષે જુલાઈમાં ભારતીય ટી-20 ટીમનું સુકાન સંભાળ્યા બાદ તે 15 ઇનિંગ્સમાં માત્ર 184 રન કરી શક્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ પાંચ મૅચમાં તેના માત્ર 165 રન છે.

ભારતનો 18માં, સાઉથ આફ્રિકાનો 12માં વિજય

બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 ટી-20 મૅચ રમાઈ છે જેમાંથી 18 ભારતે અને 12 સાઉથ આફ્રિકાએ જીતી છે. એક મૅચ અનિર્ણીત રહી છે. છેલ્લે બન્ને દેશ વચ્ચે નવેમ્બર, 2024માં સાઉથ આફ્રિકાની ધરતી પર સિરીઝ રમાઈ હતી જેમાં ભારતનો 3-1થી વિજય થયો હતો.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, જિતેશ શર્મા/સંજુ સૅમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા/વૉશિંગ્ટન સુંદર/શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

સાઉથ આફ્રિકાઃ એઇડન માર્કરમ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, ડેવાલ્ડ બે્રવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, કૉર્બિન બૉશ્ચ/જ્યોર્જ લિન્ડ, માર્કો યેનસેન, કેશવ મહારાજ, લુન્ગી ઍન્ગિડી અને ઍન્રિક નોર્કિયા.

આ પણ વાંચો…વન-ડેમાં વિરાટના વિક્રમોની વણઝાર…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button