શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાની વચ્ચે મેચ રમાઈ હતી. સ્વાભાવિક રીતે ટીમ પોતોના હોમ ગ્રાઉન્ડ પર હોય એટલે ફેન્સનું સમર્થન તેમને મળે જ. તેમાં પણ ભારત પાકિસ્તાનનો મુકાબલો અને એક લાખની જનમેદની. ખૂબ જ ઉત્સાહ અને રસાકસી વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવતા ફેન્સની ખુશી બમણી થઈ ગઈ હતી. ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી હતી.
મેચ દરમિયાન મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું હતું. એક લાખ જેટલા લોકોની ભીડે આ દરમિયાન જય શ્રી રામની નારેબાજી કરી ભારતીય ટીમને સપોર્ટ કર્યો હતો. જોકે હવે આ મામલે એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિન ક્રિકેટ ફેન્સ પર નારાજ થયા છે. તેમણે આવી નારેબાજી સામે વાંધો ઊઠાવ્યો હતો.
અગાઉ સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરી ચૂકેલા ઉદયનિધિ સ્ટાલિને આ વખતે કહ્યું છે કે ભારત તેની ખેલ ભાવના અને અતિથિના સત્કાર માટે જાણીતું છે. જોકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જે પ્રકારનું વર્તન કરાયું તે અસ્વીકાર્ય અને નીચલા સ્તરનું હતું.
રમતને દેશોને એકજૂટ કરનાર તાકાત બનાવવી જોઈએ અને સાચા ભાઈચારાને પ્રોત્સાહન આપવું જોઈએ. તેને નફરત ફેલાવતા હથિયાર તરીકે ઉપયોગમાં લેવી ટીકાને પાત્ર છે. તેમની આ ટ્વીટને રાજકીય રંગ ન આપવામાં આવે તો સારું બાકી ફરી એક નવો વિવાદ ઊભો થશે જ્યારે ફેન્સને તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ લાવે તેમાં જ રસ છે.