
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપ-2023ની હાઈ વોલ્ટેજ મેચને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેને કારણે ક્રિકેટરસિયાઓના રંગમાં ભંગ પડી શકે છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ મેચ દરમિયાન મેઘરાજાની પધરામણીની શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મેચ દરમિયાન અમદાવાદ શૈય અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
IMD દ્વારા વ્યકત કરવામાં આવેલી આગાહી અનુસાર, 14મી અને 15મી ઓક્ટોબરના અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન સુકૂ રહેવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે. 14મી ઓક્ટોબરના અમદાવાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના વડાએ પણ શનિવારના હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે આજે વાતાવરણ વાદળછાયું રહેશે. આગામી કેટલાક દિવસોમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવો વરસાદ પડવાની પૂરેપૂરી શકયતા છે.
હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થાય તો શું થશે?તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. વરસાદને કારણે આજે મેચ નહીં રમાય તો ભારત અને પાકિસ્તાનન બંનેને એક-એક પોઈન્ટ આપવામાં આવશે, કારણ કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી રાખવામાં આવ્યો. જ્યારે ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડેની જોગવાઈ કરવામાં આવી છે.
માત્ર ભારત પાક મેચ પર જ નહીં પણ નવલા નોરતા પર પણ વરસાદનું ગ્રહણ લાગી શકે છે. અંબાલાલ પટેલે પણ નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.