15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો ભારતીય વિમેન્સ ટીમ સામે આ મૅચ રમશે કે નહીં?

બૅન્ગકૉકઃ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેન્સ ટી-20 વર્લ્ડ કપની મૅચનો પાકિસ્તાને બહિષ્કાર કર્યો છે, પણ એ જ દિવસે થાઇલૅન્ડમાં મહિલા ક્રિકેટરો વચ્ચે ભારત અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે જે ટી-20 મૅચનું ઘણા દિવસો પહેલાં આયોજન થયું છે એ મૅચમાં પાકિસ્તાન (Pakistan)ની મહિલા ટીમ (women’s team) રમશે કે નહીં એની ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ થતાં ભારતે (India) બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને આઇપીએલમાંથી કાઢી મૂકતાં બાંગ્લાદેશે ભારતમાં મેન્સ ટી-20 વર્લ્ડ કપની મૅચો રમવા આવવાની ના પાડી એટલે આઇસીસીએ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું. ત્યાર બાદ પાકિસ્તાને બાંગ્લાદેશના સપોર્ટમાં ભારત સામેની કોલંબોમાં 15મીની મૅચ રમવાનો ઇનકાર કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે.
હવે વાત એવી છે કે એ જ દિવસે (15મી ફેબ્રુઆરીએ) બૅન્ગકૉકમાં મહિલાઓ માટેની રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ નામની ટી-20 ટૂર્નામેન્ટમાં ભારત વિમેન્સ ટીમ વિરુદ્ધ પાકિસ્તાન વિમેન્સ ટીમની મૅચ રાખવામાં આવી છે જેમાં પાકિસ્તાન સરકાર પોતાના દેશની મહિલાઓને ભારત સામે રમવાની છૂટ આપશે કે નહીં એ જોવું રહ્યું. આ ટૂર્નામેન્ટ 13મી ફેબ્રુઆરીએ (નવ દિવસ બાદ) શરૂ થવાની છે.
જોવાનું એ છે કે જો પાકિસ્તાન સરકાર પોતાની મહિલાઓને ભારત સામેની બૅન્ગકૉકની મૅચમાં રમવા દેશે તો એણે ડબલ સ્ટાન્ડર્ડ રાખ્યું કહેવાય. પુરુષોને ટીમ ઇન્ડિયા સામે રમવા નથી દેવા, પણ મહિલાઓને રમવાની છૂટ આપી છે. એ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની મહિલા ટીમની જાહેરાત પણ કરી દીધી છે.
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળ, યુએઇ, બાંગ્લાદેશ, મલયેશિયા, શ્રીલંકા અને થાઇલૅન્ડની ટીમ પણ ભાગ લેશે.
આપણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ રદ થતા ICCને મોટું નુકશાન! PCBને જીદ ભારે પડી શકે છે



