સ્પોર્ટસ

ભારતે રવિવારે બે કોણીવાળા વિવાદાસ્પદ પાકિસ્તાની સ્પિનરથી ખૂબ ચેતવુંઃ જાણો, શું તેનો વિવાદ…

ઉસ્માન તારિક કહે છે, `પાકિસ્તાનમાં બે વખત મારી બોલિંગ ઍક્શનને મંજૂરી મળી છે’

કોલંબોઃ આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં દરરોજ ત્રણ-ત્રણ મૅચ રમાય છે, પણ રવિવાર, 15મી ફેબ્રુઆરીની ભારત-પાકિસ્તાન મૅચની જ સર્વત્ર ચર્ચા છે અને એમાં પણ બે દિવસથી પાકિસ્તાનના 28 વર્ષની ઉંમરના રાઇટ-આર્મ ઑફ-સ્પિનર ઉસ્માન તારિક (USMAN TARIQ)ની જ વાતો થાય છે અને એનું કારણ છે તેની વિચિત્ર બોલિંગ ઍક્શન.

10મી ફેબ્રુઆરીએ કોલંબોમાં અમેરિકા સામે પાકિસ્તાન (PAKISTAN)ની જીતનો પાયો ઓપનર સાહિબઝાદા ફરહાન (73 રન)એ નાખ્યો હતો, પરંતુ પાકિસ્તાનને જિતાડવામાં તારિક (4-0-27-3)નું પણ મોટું યોગદાન હતું. તેણે મિલિન્દ કુમાર (29 રન), હરમીત સિંહ (છ રન) અને મોહમ્મદ મોહસિન (0)ની વિકેટ લીધી હતી અને બીજા કેટલાક બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા એ પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે તારિકની બોલિંગ-ઍક્શનને અને તેના સ્પિનને અમેરિકાના બૅટ્સમેનો બરાબર સમજી જ નહોતા શક્યા.

તારિકની સ્ટૉપ-સ્ટાર્ટની બોલિંગ-ઍક્શન

પાકિસ્તાનના ઑફ-સ્પિનર ઉસ્માન તારિકની કઢંગી બોલિંગ-ઍક્શનને શ્રીલંકાના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર મુથૈયા મુરલીધરન સાથે સરખાવવામાં આવી રહી છે. તારિકની બોલિંગવાળા જમણા હાથની રચના જ વિચિત્ર છે. તેના એ હાથમાં બે કોણી છે જેને લીધે તે હાથ પૂરેપૂરો સ્ટ્રેઇટ નથી કરી શક્તો. વાત માત્ર અહીં નથી અટકતી. તે ડાબી દિશામાંથી ટૂંકો રન-અપ લઈને સ્ટમ્પ્સ નજીક આવે છે અને પછી એક-બે ક્ષણ માટે થંભી જાય છે જેને લીધે બૅટ્સમૅન મૂંઝાઈ જાય છે. આવી સ્ટૉપ-સ્ટાર્ટ બોલિંગ-ઍક્શનને લીધે તે કેવા પ્રકારનો બૉલ ફેંકશે એ તો બૅટ્સમૅન પારખી નથી શકતો, તે કઈ ક્ષણે બૉલ રિલીઝ કરશે એનો પણ બૅટ્સમૅનને ચોક્કસ અંદાજ નથી આવતો. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના કૅમેરન ગ્રીનની તારિકે વિકેટ લીધી ત્યાર બાદ ગ્રીને પાછા જતી વખતે બાઉન્ડરી લાઇન નજીક આક્રોશ ઠાલવ્યો હતો અને સાથી ખેલાડીને હાથના ઇશારાથી જણાવ્યું હતું કે તારિકની બોલિંગ-ઍક્શન નિયમની બહાર છે.

ભારતે કેમ સાવધ રહેવું પડશે?

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે (INDIA) આ વખતના વર્લ્ડ કપમાં અમેરિકા સામે થોડો સંઘર્ષ કરવાની સાથે પહેલી બન્ને મૅચ જીતી લીધી છે, પરંતુ એકંદરે ટીમ ઇન્ડિયા આસાનીથી આગળ વધી રહી છે. જોકે સ્પિન બોલિંગ સામે રમવામાં ભારતીય બૅટ્સમેનો આ વખતે થોડા નબળા લાગી રહ્યા હોવાથી તેમણે ખાસ કરીને વિચિત્ર બોલિંગ-ઍક્શનવાળા ઉસ્માન તારિકના સ્પિન સામે ચેતવું પડશે. તે નેધરલૅન્ડ્સ સામેની પહેલી મૅચમાં તો નહોતો, પરંતુ પછીથી અમેરિકા સામે તેણે ત્રણ વિકેટ લીધી હતી.

બે મિસ્ટરી સ્પિનરની કસોટીઃ વરુણ વિરુદ્ધ તારિક

ભારતનો લેગ-બે્રક સ્પેશ્યાલિસ્ટ વરુણ ચક્રવર્તી ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બોલર છે, જ્યારે ઉસ્માન તારિક વિચિત્ર અને અણધારી બોલિંગ-ઍક્શનને લીધે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. આ બન્ને ખેલાડી ` મિસ્ટરી સ્પિનર’ તરીકે ઓળખાય છે. હવે રવિવારે બેમાંથી કોણ વધુ સફળ થશે એ જોવું રહ્યું.

શનિવારે વર્લ્ડ કપમાં કયા મુકાબલા થશે?

આયરલૅન્ડ-ઓમાન
(કોલંબો, સવારે 11.00)

ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડ
(કોલકાતા, બપોરે 3.00)

ન્યૂ ઝીલૅન્ડ-સાઉથ આફ્રિકા
(અમદાવાદ, સાંજે 7.00)

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button