સચિને મૉટિવેટ કર્યા પછી ભારતીય જુનિયર ક્રિકેટરો પાકિસ્તાન સામે બદલો લેવા વધુ જુસ્સેદાર બન્યા

બુલવૅયોઃ ડિસેમ્બરમાં દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતની અન્ડર-19 ટીમ 191 રનથી હારી ગઈ હતી, પરંતુ આજે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના બુલવૅયોમાં વન-ડે વર્લ્ડ કપની મહત્ત્વની મૅચમાં પાકિસ્તાન સામે એ હારનો બદલો લેવાના જબરદસ્ત જોશ સાથે મેદાન પર ઊતરશે, કારણકે આ મુકાબલા પહેલાં આયુષ મ્હાત્રે ઍન્ડ કંપનીને ગઈ કાલે સચિન તેન્ડુલકર સાથેની ચર્ચામાં ઘણું મૉટિવેશન મળ્યું હતું.
ભારત સુપર-સિક્સ રાઉન્ડમાં આજે જીતશે તો વિશ્વ કપની સેમિ ફાઇનલમાં પહોંચી જશે. જોકે રનરેટ નબળો હોવાને કારણે પાકિસ્તાને ભારત (India)ને બહુ મોટા માર્જિનથી હરાવવું પડશે એ જોતાં સેમિ ફાઇનલમાં પહોંચવાની ભારતની સંભાવના વધુ છે.
આ પણ વાંચો : રવિવારે ભારત-પાકિસ્તાન ટક્કર, જાણો સેમિ ફાઇનલ માટે કોને કેટલો ચાન્સ છે…
બીસીસીઆઇએ એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું, ` ભારતના અન્ડર-19 ખેલાડીઓએ ક્રિકેટ જગતના લેજન્ડ સચિન (Sachin) તેન્ડુલકર સાથે વર્ચ્યુઅલ સેશન દરમ્યાન ચર્ચા કરી હતી જેમાં સચિને તેમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હતું. સચિને તેમને પોતાના બહુમૂલ્ય અનુભવોને આધારે સફળતા વિશે તેમ જ લાંબી કારકિર્દી બાબતમાં અગત્યની સલાહ આપી હતી. સચિને તેમને ટેક્નિકલ કૌશલ્ય વિશે તેમ જ ફિટ રહેવા બાબતમાં પણ માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં, સચિને તેમને એકાગ્રતા, શિસ્ત, વિનમ્રતા (Humble) રાખવાની તેમ જ સફળતા મળતાં અતિઉત્સાહમાં આવીને માનસિકતા ન બદલવાની પણ સલાહ આપી હતી.’
ભારતની અન્ડર-19 ટીમ વર્તમાન વિશ્વ કપમાં અમેરિકા, બાંગ્લાદેશ, ન્યૂ ઝીલૅન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ હવે પાકિસ્તાન સામે રમવા મેદાન પર ઊતરશે.



