સ્પોર્ટસ

સિનિયર પછી જુનિયર એશિયા કપમાં પણ ભારતે પાકિસ્તાનનું નાક કાપ્યું

અન્ડર-19 મુકાબલામાં ભારતનો 90 રનથી વિજયઃ ભારતીય ખેલાડીઓએ ફરી પાકિસ્તાની પ્લેયરો સાથે હાથ ન મિલાવ્યા

દુબઈઃ મેન્સ અન્ડર-19 એશિયા કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમનો 90 રનથી પરાભવ કરીને પાકિસ્તાનને શરમમાં મૂકી દીધું છે. સપ્ટેમ્બરના મેન્સ ટી-20 એશિયા કપમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે સલમાન અલી આગાની કૅપ્ટન્સીમાં રમનાર પાકિસ્તાનને ઉપરાઉપરી બે મૅચમાં હરાવ્યા પછી ફાઇનલમાં પણ એને પછડાટ આપીને એની ફજેતી કરી હતી.

રવિવારે ફરહાન યુસુફની કૅપ્ટન્સીમાં રમનાર પાકિસ્તાનની અન્ડર-19 ટીમ 241 રનના લક્ષ્યાંક સામે 41.2 ઓવરમાં ફક્ત 150 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી જેમાં હુઝઇફા અહસાનના 70 રન હાઇએસ્ટ હતા. તેની વિકેટ લેનાર ઑફ સ્પિનર કનિષ્ક ચૌહાણે તેમ જ પેસ બોલર દીપેશ દેવેન્દ્રને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ કિશન સિંહે અને એક-એક વિકેટ ખિલાન પટેલ તથા વૈભવ સૂર્યવંશીએ લીધી હતી.

આ પણ વાંચો: સૂર્યવંશીએ 39મી સિક્સર ફટકારી એટલે જુનિયર વન-ડે વિશ્વમાં રચાયો નવો ઇતિહાસ

એ પહેલાં, ટૉસ વખતે ભારતીય કૅપ્ટન આયુષ મ્હાત્રેએ પાકિસ્તાની સુકાની ફરહાન યુસુફ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું અને એને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે મૅચ પછી પણ ભારતીય ખેલાડીઓ તેના પ્લેયર્સ સાથે હાથ નહીં મિલાવે. મૅચ પૂરી થયા પછી ભારતીય ખેલાડીઓએ બન્ને અમ્પાયરો સાથે હાથ મિલાવ્યા હતા અને પછી મેદાન પરથી જતા રહ્યા હતા. એ સાથે, ભારતે (India) પાકિસ્તાન પ્રત્યે નો હૅન્ડશેક નીતિ જાળવી રાખી છે.

49-49 ઓવરની આ મૅચમાં ભારતની ટીમ પ્રથમ બૅટિંગ મળ્યા પછી 46.1 ઓવરમાં 240 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. 14 વર્ષનો સેન્સેશનલ ઓપનર વૈભવ સૂર્યવંશી ફક્ત પાંચ રનમાં આઉટ થઈ ગયો હતો, પણ ખાસ કરીને આરૉન જ્યોર્જના 85 રન અને કનિષ્ક ચૌહાણના 46 રનની મદદથી ભારતીય ટીમ પાકિસ્તાનને 240 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકી હતી.

આ પણ વાંચો: મહિલા વર્લ્ડ કપની એક ટીમની કૅપ્ટને જુનિયર ખેલાડીઓની મારપીટ કરી એવો પેસ બોલરનો ગંભીર આક્ષેપ

પાકિસ્તાને (Pakistan) માત્ર 39 રનમાં પહેલી ચાર વિકેટ ગુમાવી દીધી હતી જેમાંની ત્રણ વિકેટ 17 વર્ષના પેસ બોલર દીપેશ દેવેન્દ્રને લીધી હતી. શુક્રવારે ભારતે યુએઇને પ્રથમ મૅચમાં 234 રનથી પરાજિત કર્યું હતું.

ગ્રૂપ-એમાં ભારત ચાર પૉઇન્ટ સાથે મોખરે છે અને બીજા નંબરના પાકિસ્તાન પાસે માત્ર બે પૉઇન્ટ છે. યુએઇ તથા મલયેશિયાની ટીમ હજી ખાતું નથી ખોલાવી શકી. ગ્રૂપ-બીમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ બે-બે પૉઇન્ટ સાથે મોખરે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button