સ્પોર્ટસ

રવિવારે ભારત-પાકિસ્તાન ટક્કર, જાણો સેમિ ફાઇનલ માટે કોને કેટલો ચાન્સ છે…

બુલવૅયોઃ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (World Cup)માં રોમાંચની ચરમસીમા આવી રહી છે જેમાં ફાઇનલથી પણ વિશેષ ગણાતા ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મુકાબલાનો સમય નજીક આવી ગયો છે. રવિવારે (બપોરે 1.00 વાગ્યાથી) આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં ભારત અને ફરહાન યુસફના સુકાનમાં પાકિસ્તાનની જુનિયર ટીમ વચ્ચે આ હાઇ-પ્રોફાઇલ મુકાબલો છે. બેમાંથી જે ટીમ જીતશે એને સેમિ ફાઇનલમાં જવા સીધો માર્ગ મળશે.

સુપર-સિક્સ રાઉન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ઇંગ્લૅન્ડ જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે જેને પરિણામે ભારત કરતાં પાકિસ્તાનનું સેમિમાં પહોંચવું વધુ મુશ્કેલ થઈ ગયું છે.

સુપર-સિક્સ રાઉન્ડમાં બે ગ્રૂપ છે અને પ્રત્યેક ગ્રૂપમાં છ-છ ટીમ સામેલ છે. બન્ને ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં જાય એવી વ્યવસ્થા વચ્ચે ગ્રૂપ-1માંથી ટોચના બે દેશ ઑસ્ટ્રેલિયા તથા અફઘાનિસ્તાન સેમિમાં પહોંચી ગયા છે, જ્યારે શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને આયરલૅન્ડ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે. ગ્રૂપ-2માંથી થૉમસ ર્યૂના સુકાનમાં ઇંગ્લૅન્ડ સૌથી વધુ આઠ પૉઇન્ટ સાથે સેમિમાં પહોંચી ગયું છે અને બાકીના એક સ્થાન માટે હવે ભારત-પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે. આ ગ્રૂપમાંથી બાંગ્લાદેશ, ન્યૂ ઝીલૅન્ડ અને ઝિમ્બાબ્વે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે.

ભારતને પાકિસ્તાન કરતાં વધુ તક

ગ્રૂપ-2માંથી ઇંગ્લૅન્ડ સૌથી વધુ આઠ પૉઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે આ ગ્રૂપમાંથી વધુ એક જ ટીમ સેમિ ફાઇનલમાં જશે અને એ માટે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા છે. ભારતના છ પૉઇન્ટ અને +3.337નો રનરેટ છે. પાકિસ્તાનના ચાર પૉઇન્ટ અને +1.484નો રનરેટ છે. રવિવારે ભારત જીતશે તો સેમિમાં એની એન્ટ્રી પાક્કી જ છે, પરંતુ જો ભારત હારી જશે તો પાકિસ્તાન સાથે એના પણ છ પૉઇન્ટ રહેશે અને ત્યારે બન્નેમાંથી જેનો રનરેટ બેસ્ટ હશે એ સેમિમાં જશે.

પાકિસ્તાનને કેવી રીતે ઓછો ચાન્સ?

પાકિસ્તાન (Pakistan) રવિવારે ભારતને હરાવશે તો એના ભારત (India) જેટલા છ પૉઇન્ટ થશે, પરંતુ રનરેટમાં એણે ભારતને પાછળ રાખવું જ પડશે. જો રવિવારે પાકિસ્તાન પ્રથમ બૅટિંગ કરશે તો એણે 105 કે વધુ રનના માર્જિનથી જીતવું પડશે. જો પાકિસ્તાન લક્ષ્યાંક ચેઝ કરતું હશે તો એણે બહુ ઝડપથી એ મેળવી લેવો પડશે. ઉદાહરણ તરીકે, પાકિસ્તાને 251 રનનો લક્ષ્યાંક 29.4 કે એનાથી ઓછી ઓવરમાં મેળવી લેવો પડશે. જો આવું થશે તો ભારતને બદલે પાકિસ્તાન સેમિમાં જશે. જો પાકિસ્તાનને 251થી ઓછો ટાર્ગેટ મળ્યો હશે તો એણે વધુ ઝડપથી (29.4 કરતાં ઓછી ઓવરમાં) એ મેળવવો પડશે.

પાકિસ્તાનનો ખેલાડી ટૂર્નામેન્ટની બહાર

પાકિસ્તાનની ટીમને બહુ મોટો ઝટકો લાગ્યો છે, કારણકે એના વિકેટકીપર-બૅટ્સમૅન મોહમ્મદ શેયાન ઈજાને કારણે વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. નેટ પ્રૅક્ટિસ દરમ્યાન શેયાનને ફાસ્ટ બોલરનો બૉલ નાક પર વાગ્યો હતો અને તેના નાકનું હાડકું તૂટી જતાં તેણે ટૂર્નામેન્ટમાંથી નીકળી જવું પડ્યું છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button