સ્પોર્ટસ

ત્રણ ગુજરાતીએ ભેગા મળીને પાકિસ્તાનને હરાવીને અન્ડર-19 વર્લ્ડ કપની બહાર ફેંકી દીધુંઃ ભારત સેમિ ફાઇનલમાં

ભારતનો સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન સામે, ઑસ્ટ્રેલિયાનો ઇંગ્લૅન્ડ સામે મુકાબલો

બુલવૅયોઃ ભારતે રવિવારે આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં અન્ડર-19 વર્લ્ડ કપની અગત્યની મૅચમાં પાકિસ્તાનને 58 રનથી હરાવીને સેમિ ફાઇનલ (Semi final)માં પ્રવેશ કર્યો હતો અને આ પરાજય સાથે પાકિસ્તાન (Pakistan) ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું. પાકિસ્તાનની ટીમ 253 રનના લક્ષ્યાંક સામે 194 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એક રીતે ભારતીય અન્ડર-19 (Under-19) ટીમના ત્રણ ગુજરાતી ખેલાડીના યોગદાનને પગલે પાકિસ્તાને પછડાટ ખાવી પડી છે.

હવે સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. મંગળવારે (બપોરે 1.00 વાગ્યાથી) પ્રથમ સેમિ ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે. બુધવારે (બપોરે 1.00 વાગ્યાથી) બીજો સેમિ ફાઇનલ મુકાબલો ભારત (India) અને અફઘાનિસ્તાન વચ્ચે થશે.

રવિવારે પાકિસ્તાન સામે અમદાવાદના વેદાંત ત્રિવેદી (68 રન, 98 બૉલ, 144 મિનિટ, એક સિક્સર, બે ફોર)ના બૅટિંગના સુપર પર્ફોર્મન્સ બાદ વલસાડના પેસ બોલર હેનિલ પટેલે (5-0-30-1) બોલિંગમાં તરખાટ મચાવવાની શરૂઆત કરી હતી. તેણે ભારતને પાકિસ્તાનની પહેલી વિકેટ વહેલી અપાવી ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ પાણીમાં બેસતી ગઈ હતી. મોડાસામાં જન્મેલા લેફ્ટ-આર્મ સ્પિનર ખિલન પટેલે (9.2-1-35-3) કાંડાની કરામત બતાડી હતી. મુંબઈના ખેલાડી અને ભારતીય ટીમના સુકાની આયુષ મ્હાત્રે (8-0-21-3)નું પણ જીતમાં મોટું યોગદાન હતું. પેસ બોલર દીપેશ દેવેન્દ્રનને બાદ કરતા ભારતના તમામ બોલરને વિકેટ મળી હતી. કનિષ્ક ચૌહાણ (35 રન અને એક વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. કનિષ્કએ ખિલન પટેલ (21 રન, 15 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 50 રનની ભાગીદારી કરી હતી.

ભારતે નિર્ધારિત 33.3 ઓવરમાં 253 રનનો લક્ષ્યાંક ન કરવા દઈને સેમિ ફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું હતું અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું. પાકિસ્તને 253 રનનો લક્ષ્યાંક 33.3 ઓવરમાં મેળવ્યો હોત તો જ એને સેમિમાં જવા મળ્યું હોત, પરંતુ 33.3 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 4/167 હતો અને ત્યાર બાદ 194 રનના કુલ સ્કોર પર પાકિસ્તાનની ટીમનો વીંટો વળી ગયો હતો.

એ પહેલાં, ભારતીય ટીમમાં એકમાત્ર વેદાંતની હાફ સેન્ચુરી હતી. જોકે કનિષ્ક ચૌહાણે (35 રન, 29 બૉલ, 47 બૉલ, એક સિક્સર, ચાર ફોર) પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઓપનર વૈભવ સૂર્યવંશી (30 રન, બાવીસ બૉલ, 38 મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) અને વાઇસ-કૅપ્ટન વિહાન મલ્હોત્રા (21 રન, 43 બૉલ, 71 મિનિટ, એક ફોર) વહેલા આઉટ થઈ ગયા હતા. ટૂંકમાં, તેઓ અપેક્ષા જેવો ફાળો નહોતા આપી શક્યા. આર. એસ. અંબરિશે વેદાંતને સારો સાથે આપીને બહુમૂલ્ય 29 કર્યા હતા. એ પહેલાં, કૅપ્ટન આયુષ મ્હાત્રે શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. ખરેખર તો ભારતે 47 રનની ઓપનિંગ ભાગીદારી બાદ એ જ સ્કોર પર ઉપરાઉપરી ત્રણ વિકેટ ગુમાવી હતી. યોગાનુયોગ, ભારતે ઇનિંગ્સની 50મી ઓવરમાં પાંચ બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનના પેસ બોલર અબ્દુલ સુભને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button