ભારતે આપેલો 253 રનનો લક્ષ્યાંક પાકિસ્તાને 33.3 ઓવરમાં મેળવવો પડશે, નહીં તો ભારત સેમિ ફાઇનલમાં

વેદાંત-કનિષ્કએ અપાવ્યો 252 રનનો સ્કોર, હવે ભારતીય બોલર્સની અગ્નિપરીક્ષા
બુલવૅયોઃ ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન (Pakistan) સામેની ક્વૉર્ટર ફાઇનલ સમાન મૅચમાં એક બૉલ બાકી હતો ત્યારે ઑલઆઉટ થઈ હતી. ભારતે (India) 49.5 ઓવરમાં 252 રન કર્યા અને હવે ભારતીય બોલર્સની અગ્નિપરીક્ષા છે. પાકિસ્તાને 253 રનનો લક્ષ્યાંક (Target) માત્ર 33.3 ઓવરમાં મેળવવો પડશે. જો પાકિસ્તાન એ મેળવી લેશે તો સેમિ ફાઇનલમાં જશે અને ભારત બહાર થઈ જશે, પરંતુ જો પાકિસ્તાન 33.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ નહીં કરે તો ભારત સેમિમાં પહોંચશે અને પાકિસ્તાને વર્લ્ડ કપમાંથી ચાલતી પકડવી પડશે.
ભારતને બૅટિંગ મળ્યા બાદ શરૂઆતમાં ધબડકો થયા બાદ મધ્ય ભાગની ઓવર્સ દરમ્યાન પણ ટીમની સ્થિતિ નાજુક થઈ ગઈ હતી, પરંતુ આ સંજોગોમાં અમદાવાદનો વેદાંત ત્રિવેદી (68 રન, 98 બૉલ, 144 મિનિટ, એક સિક્સર, બે ફોર) અડીખમ રહ્યો હતો. તેની હાફ સેન્ચુરીની મદદથી ભારતીય ટીમ 150 રનનો આંકડો પાર કરી શકી હતી.
ટીમમાં એકમાત્ર વેદાંતની હાફ સેન્ચુરી હતી. જોકે કનિષ્ક ચૌહાણે (35 રન, 29 બૉલ, 47 બૉલ, એક સિક્સર, ચાર ફોર) પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઓપનર વૈભવ સૂર્યવંશી (30 રન, બાવીસ બૉલ, 38 મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) અને વાઇસ-કૅપ્ટન વિહાન મલ્હોત્રા (21 રન, 43 બૉલ, 71 મિનિટ, એક ફોર) વહેલા આઉટ થઈ ગયા હતા. ટૂંકમાં, તેઓ અપેક્ષા જેવો ફાળો નહોતા આપી શક્યા. આર. એસ. અંબરિશે વેદાંતને સારો સાથે આપીને બહુમૂલ્ય 29 કર્યા હતા. એ પહેલાં, કૅપ્ટન આયુષ મ્હાત્રે શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. ખરેખર તો ભારતે 47 રનની ઓપનિંગ ભાગીદારી બાદ એ જ સ્કોર પર ઉપરાઉપરી ત્રણ વિકેટ ગુમાવી હતી. યોગાનુયોગ, ભારતે ઇનિંગ્સની 50મી ઓવરમાં પાંચ બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
પાકિસ્તાનના પેસ બોલર અબ્દુલ સુભને સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ બીજા પેસ બોલર મોહમ્મદ સય્યામે બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનના તમામ છ બોલરને વિકેટ મળી હતી. હવે ભારતના બોલર્સ હેનિલ પટેલ, ખિલન પટેલ, દીપેશ દેવેન્દ્રન, આર. એસ. અંબરિશ, કનિષ્ક ચૌહાણ વગેરેની કસોટી થશે. આ મૅચ જીતનાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લૅન્ડ સેમિમાં પહોંચી ગયા છે.



