ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર છે, જાણો કેવી રીતે…

કોલંબોઃ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને અહીં 15મીએ થનારો હાઇ-વૉલ્ટેજ મુકાબલો જોવા કરોડો ક્રિકેટપ્રેમીઓ ઉત્સુક હશે અને અહીં યાદ અપાવવાની કે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન (PAKISTAN)સામે ભારત (India)નો હાથ ઘણો ઉપર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં કુલ આઠ મૅચ રમાઈ છે જેમાંથી છ ભારતે અને માત્ર એક પાકિસ્તાને જીતી છે. એક મૅચ ટાઇ થઈ હતી અને એમાં પણ ભારતે બૉલ-આઉટ મારફત જીત હાંસલ કરી હતી. એ જોતાં, આઠમાંથી ભારતે કુલ સાત વિજય મેળવ્યા છે.
ટી-20 વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે જેમાં સૌથી પહેલી મૅચ કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે અને એ જ દિવસે ભારતની પ્રથમ મૅચ અમેરિકા સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે ભારત-પાકિસ્તાન મૅચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે.
2007ના વર્લ્ડ કપ (World Cup)માં ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલી વાર ટી-20માં ટક્કર થઈ હતી. એમાં બૉલ-આઉટમાં જીત્યા બાદ ફાઇનલમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. 2012માં ભારતે પાકિસ્તાનને કોલંબોમાં, 2014માં ઢાકામાં તથા 2016માં કોલકાતામાં હરાવ્યું હતું. 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. જોકે 2022માં મેલબર્નમાં અને 2024માં ન્યૂ યૉર્કમાં ભારતે પાકિસ્તાનને પછડાટ આપી હતી.



