પાકિસ્તાનનો પેંતરો ફ્લોપ: દોસ્તોએ જ સાથ છોડ્યો, હવે ભારત સામે રમ્યા વગર છૂટકો નથી!

દુબઈ: આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા ક્રિકેટ જગતમાં ડ્રામા જોવા મળ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેમની ટીમ ભારત સામે મેચ રમવાનો બહિષ્કાર કરશે. હકીકતમાં, બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારત સામે રમવાનો ઇનકાર કરતા ICCએ તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી સ્કોટલેન્ડને તક આપી હતી. પાકિસ્તાને શરૂઆતમાં બાંગ્લાદેશને ટેકો આપી ટુર્નામેન્ટ છોડવાની ધમકી આપી હતી, પરંતુ અંતે બાંગ્લાદેશ બહાર થતા જ પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી ‘ભારત સામે નહીં રમવાનો’ નવો પેંતરો રચ્યો હતો.
પાકિસ્તાનની બાળહઠને તોડવા માટે ICCએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી દબાણ વધાર્યું હતું. ભારત-પાક મેચ કોલંબોમાં યોજાવાની હોવાથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને પત્ર લખીને આર્થિક અને પ્રતિષ્ઠાના નુકસાનની ચેતવણી આપી હતી.
શ્રીલંકાએ 2009ના આતંકી હુમલાના સમયની યાદ અપાવી હતી જ્યારે કોઈ દેશ પાકિસ્તાન જતું નહોતું ત્યારે શ્રીલંકાએ સાથ આપ્યો હતો. તે જ રીતે, UAE એ પણ યાદ અપાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાન પાસે પોતાનું હોમ ગ્રાઉન્ડ નહોતું, ત્યારે દાયકાઓ સુધી દુબઈ અને શારજાહમાં તેમને આશરો મળ્યો હતો. આ દબાણ દ્વારા સમજાવવામાં આવ્યું કે પાકિસ્તાનના આ નિર્ણયથી એસોસિએટ દેશોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે જે બાંગ્લાદેશના નામે પાકિસ્તાને આ બહિષ્કારનો ખેલ શરૂ કર્યો હતો, તે જ બાંગ્લાદેશે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ પોતે લાહોર પહોંચ્યા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવી સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશે સાર્વજનિક રીતે અપીલ કરી કે ‘ક્રિકેટના વ્યાપક હિત’માં પાકિસ્તાને ભારત સામે રમવું જોઈએ. આ મુલાકાતે પાકિસ્તાન માટે નૈતિક રીતે પીછેહઠ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રાખ્યો નથી.
આ તમામ પક્ષો ઉપરાંત, ICCએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તેઓ ભારત સામે મેચ રમવાનો ઇનકાર કરશે, તો તેને ICCના નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. આ ઉલ્લંઘન બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભારે આર્થિક દંડ અને રમતગમતના પ્રતિબંધો પણ લાદવામાં આવી શકે છે. ચારેબાજુથી ઘેરાયેલું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય દબાણ અને સંભવિત નુકસાનને ટાળવા માટે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર બન્યું છે.
આ પણ વાંચો…T20 વર્લ્ડ કપ 2026: ભારત વિરુદ્ધ મેચ પર પાકિસ્તાની બોલરનું ચોંકાવનારું નિવેદન…



