સ્પોર્ટસ

ભારત સામેના મુકાબલાનું કાઉન્ટડાઉન શરૂઃ બાબરની પાકિસ્તાનના જ ભૂતપૂર્વ ખેલાડીઓએ હાંસી ઉડાવી

કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવાર, 15મી ફેબ્રુઆરીની બહુચર્ચિત તથા હાઇ-વૉલ્ટેજ મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને ફૉર્મમાં આવવા તરફડિયાં મારી રહેલા બાબર આઝમની તેના જ દેશના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ મજાક કરી છે. આ હાંસી કોઈ સામાન્ય મુલાકાતમાં નહીં, પણ લાઇવ ટીવી શૉમાં ઉડાવવામાં આવી છે.

અહમદ શહઝાદ, મોહમ્મદ આમિર અને રાશીદ લતીફે બાબરના ફૉર્મ વિશે રમૂજી પ્રતિક્રિયા આપી છે. આ ટિપ્પણીઓમાં બાબરના ફૉર્મ વિશે ટીકા કરવાની સાથે આડકતરી રીતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તેમ જ તે ભારત સામેની મૅચથી જો પાછો ફૉર્મમાં આવે તો એ માટે એક ઑફર પણ કરવામાં આવી છે. બે દિવસથી સોશ્યલ મીડિયામાં બાબર નૅગેટિવ રીતે ચર્ચામાં છે.

આપણ વાચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો

એક સમયે બાબરને વિરાટ કોહલી, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ અને જૉ રૂટની હરોળમાં મૂકવામાં આવતો હતો. જોકે થોડા વર્ષોથી તે ખાસ કરીને ભારત સામે ફ્લૉપ પર ફ્લૉપ ઇનિંગ્સ રમી રહ્યો હોવાથી દેશમાં અણગમતો થઈ ગયો છે. પાકિસ્તાનના જ એક વીડિયોમાં કેટલાક મહિલા ક્રિકેટપ્રેમીઓએ બાબરની મજાક કરવાની સાથે વિરાટની તરફેણ કરી છે.

વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં બાબર (Babar Azam) સારું નથી રમી શક્યો. નેધરલૅન્ડ્સ સામે તે 18 બૉલમાં 15 રન કરી શક્યો હતો અને ત્યાર બાદ અમેરિકા સામે તેણે 32 બૉલમાં 46 રન કર્યા હતા. સોશ્યલ મીડિયામાં ચર્ચા એ છે કે બાબર અગાઉ જે વર્ચસ્વવાળી અને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમતો હતો એ હવે માનસિક દબાણમાં નથી રમી શક્તો.

આપણ વાચો:

પાકિસ્તાનના એક સ્પોર્ટ્સ ટીવી શૉ (TV SHOW)માં શહઝાદ, આમિર અને લતીફને બાબરના ફૉર્મ વિશે પૂછાયું ત્યારે તેમણે મજાકમાં આવી પ્રતિક્રિયા આપીઃ

અહમદ શહઝાદઃ બાબર જો રવિવારે ભારત સામે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમશે તો હું આ ટીવી શૉ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ માટે ડિનર-પાર્ટી રાખીશ.

મોહમ્મદ આમિરઃ જો ભારત સામે બાબર 150.00થી વધુ સ્ટ્રાઇક-રેટ સાથે 50 કે વધુ રન કરશે તો હું મારી નિવૃત્તિ પાછી ખેંચીશ.

રાશીદ લતીફઃ (આમિરની ટિપ્પણી સાંભળીને કહ્યું) ખરું કહું તો બાબર એટલી બધી લાંબી ઇનિંગ્સ સુધી બૅટિંગ કરી જ નથી શક્તો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button