ખેલ ખરાખરીનોઃ ભારત-પાકિસ્તાન મૅચમાં કયા પાંચ મુકાબલા સૌથી રોમાંચક બની શકે? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ખેલ ખરાખરીનોઃ ભારત-પાકિસ્તાન મૅચમાં કયા પાંચ મુકાબલા સૌથી રોમાંચક બની શકે?

દુબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા માટે દર વખતે ભારતભરમાં જે રોમાંચ, જોશ, ઝનૂન અને ઉત્સાહ જોવા મળતા હોય છે એવા આ વખતે (ભારતમાં આતંકવાદની પ્રવૃત્તિઓને બેરોકટોક પ્રોત્સાહન આપતા રહેવાની પાકિસ્તાનની નફ્ફટાઇને કારણે) જોવા તો નથી મળ્યો, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓ વિશેના અમુક નિયમોને આધીન દુશ્મન-દેશ સામે રમવું પડી રહ્યું છે એ વાસ્તવિકતા અપનાવીને ચાલીએ તો આજે (રાત્રે 8.00 વાગ્યાથી) દુબઈમાં એશિયા કપ (Asia cup)માં બન્ને દેશ વચ્ચેના જંગમાં અમુક ખાસ ખેલાડીઓ વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થયા ત્યાર બાદ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ભારત (India) 85 ટકા મૅચ જીત્યું છે. બીજી બાજુ, પાકિસ્તાન (Pakistan) કફોડી સ્થિતિમાં છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ મામલે રાજકરણ ગરમાયું; વિપક્ષી પાર્ટીઓ વિપક્ષ વિરોધ પ્રદર્શનો કરશે

એક તો એના મુખ્ય બે ખેલાડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને એશિયા કપથી દૂર રાખવામાં આવ્યા છે અને બીજી ખાસ યાદ અપાવવા જેવી વાત એ છે કે ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો યજમાન અમેરિકાની ટીમ સામે પરાજય થયો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચે રણમેદાન પછી હવે રનમેદાનમાં ટક્કર શરૂ થાય એ પહેલાં બન્ને દેશના કેટલાક ખેલાડીઓ જો સામસામે આવી જાય તો એમાં શું થઈ શકે એનું જે અવલોકન પીટીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એ અહીં પ્રસ્તુત છેઃ

કોની સામે કોની કસોટી?

શુભમન ગિલ વિરુદ્ધ શાહીન આફ્રિદી

ભારતનો ઉપ-સુકાની ગિલ અને પાકિસ્તાનનો મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પહેલી વાર ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં પહેલી જ વખત સામસામે રમશે. શાહીન આફ્રિદી ભારતની જે ટીમ સામે જે ત્રણ ટી-20 રમ્યો છે એમાં ગિલ નહોતો. નિપ-બૅકર માટે જાણીતા આફ્રિદીનો એ બૉલ જો ઇનિંગ્સની શરૂઆતમાં પરફેક્ટ લેન્ગ્થમાં પડે તો ભલભલા બૅટ્સમૅનને મુશ્કેલીમાં મૂકી શકે. ગિલે એવા બૉલ સામે સાવધ રહેવું પડશે.

જોકે ગિલ 15 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સામે જેવું રમ્યો છે એ જોતાં તેને આફ્રિદી સામે બહુ મુશ્કેલી નહીં પડે. ગિલે આવા પ્રકારના બોલર સામે 92 બૉલમાં 170.00ના સ્ટ્રાઇક-રેટથી આઠ સિક્સર અને 20 ફોરની મદદથી કુલ 157 રન કર્યા છે તેમ જ એવા બોલર સામે તેણે માત્ર બે વાર વિકેટ ગુમાવી છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન: ઉદ્ધવ

જસપ્રીત બુમરાહ વિરુદ્ધ સઇમ અયુબ

પાકિસ્તાનનો આ નવી પેઢીનો ટૅલન્ટેડ બૅટ્સમૅૅન હંમેશાં નિર્ભય થઈને રમતો હોય છે. આંખ મીંચીને સિક્સર ફટકારી દેવા માટે જાણીતા અયુબે પાકિસ્તાન સુપર લીગમાં ઘણી વાર સફળતાપૂર્વક આવા શૉટ ફટકાર્યા છે, પરંતુ બુમરાહ જેવા ટેસ્ટના વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ક્લાસ બોલરના બૉલમાં એવું વિચારવું પણ તેના માટે મુસીબત વહોરી લેવા જેવું થઈ શકે.

જોઈએ હવે બુમરાહના કલાકે 140-પ્લસ કિલોમીટરની ઝડપવાળા બૉલમાં તેમ જ ખાસ કરીને યૉર્કરમાં અયુબ કે બીજો કોઈ પાકિસ્તાની બૅટ્સમૅન કેવું રીએક્ટ કરે છે. બધુ રાત્રે 8.00 વાગ્યા પછી ક્લીયર થઈ જશે.

કુલદીપ યાદવ વિરુદ્ધ ફખર ઝમાન

લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ ચાઇનામૅન સ્પિનર તરીકે પણ જાણીતો છે અને આ વિકેટ-ટેકિંગ બોલર જાદુઈ કાંડાથી પહેલા કયા પાકિસ્તાનીની વિકેટ લેશે એ જોવામાં બધાને રસ હશે. ખાસ કરીને 200 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચનો અનુભવી 35 વર્ષીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન ફખર ઝમાન આજે મૅજિકલ બોલિંગ માટે જાણીતા કુલદીપના ગૂગલી સામે કેટલું ટકે છે એ જોવું રહ્યું.

ફખર અગાઉ ભારત સામે સારું રમતો હતો, પણ થોડા વર્ષોથી તે અસલ ટચ ગુમાવી બેઠો છે. તે કુલ મળીને 301 ટી-20 મૅચ રમ્યો છે જેમાં તેણે લેફ્ટ-આર્મ સ્પિનર સામે ફક્ત 15 બૉલ રમવા પડ્યા છે જેમાં તેણે 21 રન કર્યા છે અને એક વાર વિકેટ ગુમાવી છે એટલે હવે જોઈએ આજે કુલદીપનો સામનો તે કેવી રીતે કરી શકે છે.

આપણ વાંચો: સ્પોર્ટ્સમૅનઃ ભારત-પાકિસ્તાન ક્રિકેટ-યુદ્ધને હવે ગણતરીના કલાકો બાકી…

અભિષેક શર્મા વિરુદ્ધ અબ્રાર અહમદ

અમૃતસરનો અભિષેક શર્મા હાલમાં ટી-20 ઇન્ટરનૅશનલના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-વન છે અને સહજતાથી ફટકાબાજી કરીને બોલરની ઍનેલિસિસ બગાડી નાખવાની ક્ષમતા ધરાવતા આ પચીસ વર્ષીય લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅનને રાઇટ-આર્મ લેગ-સ્પિનર્સની બોલિંગનો કચરો કરી નાખવાનો બહુ સારો અનુભવ છે.

રાઇટ-આર્મ લેગ-સ્પિનર્સ સામે અભિષેકે 300.00 જેટલા સ્ટ્રાઇક-રેટથી 51 બૉલમાં 151 રન કર્યા છે. એ જોતાં, અભિષેક ક્રીઝમાં હોય ત્યારે અબ્રારની બોલિંગને વેડફી નાખવાનું જોખમ કૅપ્ટન સલમાન આગા નહીં ઉપાડે.

વરુણ ચક્રવર્તી વિરુદ્ધ હસન નવાઝ

પાકિસ્તાનના યુવાન બૅટ્સમૅન હસનનો ટી-20માં 161.00 જેટલો ઊંચો સ્ટ્રાઇક-રેટ છે. જોકે તે રિસ્ટ સ્પિનરો સામે બહુ સારું નથી રમ્યો એટલે ત્યાં વરુણ ફાવી શકે.

બૅટિંગ માટે દુબઈની સરખામણીમાં શારજાહની પિચ થોડી મુશ્કેલ ગણાય છે અને એના પર હસનને અફઘાનિસ્તાનના રાશીદ ખાન તથા નૂર અહમદ સામે રમવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી અને બહુ રન નહોતો કરી શક્યો. સ્પિનરના કાંડાની મૂવમેન્ટ પરથી બૉલ પારખી લેવાની હસનમાં આવડત નથી જે તેને આજે ભારે પડી શકે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button