એશિયા કપમાં ગિલ વિરુદ્ધ આફ્રિદી અને બુમરાહ વિરુદ્ધ અયુબ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એશિયા કપમાં ગિલ વિરુદ્ધ આફ્રિદી અને બુમરાહ વિરુદ્ધ અયુબ

ભારત-પાકિસ્તાન મુકાબલામાં આ 10 ખેલાડી વચ્ચે થશે કાંટે કી ટક્કર

દુબઈઃ નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં જોરદાર જંગ થશે અને એમાં બન્ને ટીમના કુલ મળીને 10 ખેલાડી વચ્ચે કાંટે કી ટક્કર જેવી રસાકસી જોવા મળી શકે. બન્ને દેશે પોતપોતાની ટીમ જાહેર કરી દીધી છે. પાકિસ્તાનની ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે અને બહુ ઓછા જાણીતા ચહેરા છે, પરંતુ ભારતીય ટીમમાં એક એકથી ચડિયાતા મૅચ-વિનર છે. એ જોતાં સૌને આ મુકાબલો જોવાની વધુ મજા આવશે.

શુભમન ગિલ વિરુદ્ધ શાહીન આફ્રિદી

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) સામાન્ય રીતે રાઇટ-હૅન્ડ બૅટ્સમેનોને સ્વિંગથી ખૂબ પરેશાન કરતો હોય છે. જોકે શુભમન ગિલ (Gill) હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે. આઇપીએલમાં 650 રન કર્યા બાદ તેણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હાઇએસ્ટ 754 રન કર્યા હતા. આ બન્ને ખેલાડી એકબીજાની સામે આવશે ત્યારે મૅચમાં રોમાંચ વધી જશે.

આ પણ વાંચો:  એશિયા કપ 2025 ની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ, ભારત-પાક.ની મેચ ક્યારે યોજાશે?

સઇમ અયુબ વિરુદ્ધ જસપ્રીત બુમરાહ

પાકિસ્તાનનો યુવાન બૅટ્સમૅન સઇમ અયુબ પહેલા બૉલથી જ ફટકાબાજી કરવા માટે જાણીતો છે. જોકે આક્રમક સ્ટાઇલમાં રમીને રનમશીનને વેગ આપવાની ક્ષમતા ધરાવતા અયુબ સામે જસપ્રીત બુમરાહ આવશે ત્યારે ખરાખરીનો ખેલ જોવા મળશે. અયુબને બુમરાહ વારંવાર બીટ તો કરશે જ, તેને આસાનીથી રન પણ નહીં બનાવવા દે. આ બન્ને વચ્ચેનો જંગ જોવા જેવો હશે.

હસન નવાઝ વિરુદ્ધ અર્શદીપ સિંહ

પાકિસ્તાનના વધુ એક યુવા બૅટ્સમૅન હસન નવાઝ પણ અગે્રસિવ બૅટિંગ માટે પ્રખ્યાત છે. જોકે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે નવા બૉલથી અનેક મોટા બૅટ્સમેનોને મુસીબતમાં મૂક્યા છે એ જોતાં નવાઝ કંઈ નવી નવાઇનો નથી. અર્શદીપ સામે ટકવું તેના માટે મુશ્કેલ થઈ જશે.

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં યુએઇમાં જામશે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ટક્કર

સલમાન આગા વિરુદ્ધ હાર્દિક પંડ્યા

એકંદરે ભારતીય બોલર્સમાં બુમરાહ કે અર્શદીપ કરતાં હાર્દિક પંડ્યા પાકિસ્તાની બૅટ્સમેનોને ટી-20માં સૌથી વધુ ભારે પડ્યો છે એટલે તેની સામે સાવચેત રહેવાનું સલમાન આગાની ટીમનો એક પણ બૅટ્સમૅન નહીં ભૂલે. ખુદ સલમાન આગા પણ હાર્દિકની જેમ ઑલરાઉન્ડર છે. ફરક માત્ર એટલો છે કે હાર્દિક પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને સલમાન સ્પિન ઑલરાઉન્ડર છે. 14મી સપ્ટેમ્બરે આ બેમાંથી કયો ઑલરાઉન્ડર સફળ થશે એ જોવાની મજા પડી જશે.

સૂર્યકુમાર વિરુદ્ધ અબ્રાર અહમદ

સૂર્યકુમાર ભારતનો ટી-20 કૅપ્ટન છે અને 360 ડિગ્રી શૉટ માટે જાણીતા આ આક્રમક બૅટ્સમૅન સામે પાકિસ્તાનનો દરેક બોલર સાવધ થઈ જશે. ખાસ કરીને સ્પિનર અબ્રાર અહમદ પર મોટી જવાબદારી રહેશે, કારણકે તેણે ટી-20ના વર્તમાન સમયના એવા સૌથી મહાન બૅટ્સમેનમાંના એક ખેલાડી સામે બોલિંગ કરવી પડશે જે સ્પિનર્સ પર સતત પ્રહાર કરવા માટે જાણીતો છે. સૂર્યાને અબ્રાર રોકશે કે બીજું કોઈ એ જોવું રહ્યું. જોકે સૂર્યાની ટીમને પાકિસ્તાનીઓ વિજય મેળવતી નહીં રોકી શકે એ લગભગ નક્કી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button