ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોએ વારાફરતી કિવી બોલર્સની કરી ધુલાઈઃ 23 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા…

ઇશાન કિશનની પ્રથમ સદી, સૂર્યા સાથે 137 રનની ભાગીદારી
તિરુવનંતપુરમઃ ભારતના બૅટ્સમેનોએ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પાંચમી અને અંતિમ ટી-20માં (ટી-20 વર્લ્ડ કપ પહેલાંની આખરી મૅચમાં) જબરદસ્ત ફટકાબાજી કરીને કેરળવાસીઓનું મનોરંજન તો કર્યું જ હતું, કિવી બોલર્સની બોલિંગની ધુલાઈ કરીને તેમને વિશ્વ કપ પહેલાં ચિંતામાં મૂકી દીધા હતા. ભારતે પ્રથમ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 271 રન કરીને પ્રવાસી ટીમને 272 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.
ભારત (india)ના એક પછી એક બૅટ્સમૅને ન્યૂ ઝીલૅન્ડના બોલર્સની બોલિંગની ઍનેલિસિસ બગાડી નાખી હતી. ભારતીય બૅટ્સમેનોએ કુલ મળીને 23 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા હતા.

સંજુ સૅમસન (છ રન, છ બૉલ, એક ફોર) ફરી એક વાર સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. અભિષેક શર્મા (30 રન, 16 બૉલ, બે સિક્સર, ચાર ફોર) પછી ફટકાબાજીની જવાબદારી ઇશાન કિશને (103 રન, 43 બૉલ, દસ સિક્સર, છ ફોર) ઉપાડી લીધી હતી. તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી.
કિશન (kishan)ની સાથે આતશબાજીમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (63 રન, 30 બૉલ, છ સિક્સર, ચાર ફોર) પણ જોડાયો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે માત્ર 58 બૉલમાં 137 રનની ભાગીદારી થઈ હતી.

સૂર્યાની વિકેટ બાદ કિશન સાથે હાર્દિક પંડ્યા (42 રન, 17 બૉલ, ચાર સિક્સર, એક ફોર) જોડાયો હતો અને બન્ને વચ્ચે 18 બૉલમાં 48 રનની પાર્ટનરશિપ થઈ હતી. 18મી ઓવરમાં કિશન આઉટ થયો ત્યાર પછી હાર્દિક સાથે રિન્કુ સિંહ (આઠ અણનમ) જોડાયો હતો. બન્ને વચ્ચે બહુ મોટી ભાગીદારી નહોતી થઈ, પરંતુ જૅમીસનની 20મી ઓવરમાં હાર્દિકની વિદાય બાદ રિન્કુ સાથે શિવમ દુબે જોડાયો હતો અને તેણે (દુબેએ) પણ ઇનિંગ્સના અંતિમ બૉલમાં છગ્ગો મારીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.
12મી ઓવર સ્પિનર ઇશ સોઢીની હતી જેમાં કિશને ચાર ચોગ્ગા અને બે છગ્ગા (sixers) ફટકાર્યા હતા. એ ઓવરમાં એક વાઇડ સહિત કુલ 29 રન બન્યા હતા.
છ કિવી બોલર્સની બોલિંગ ઍનેલિસિસ આ મુજબ હતીઃ મિચલ સૅન્ટનર (60 રનમાં એક વિકેટ), કાઇલ જૅમીસન (59 રનમાં એક વિકેટ), જેકબ ડફી (53 રનમાં એક વિકેટ), ઇશ સોઢી (48 રનમાં એકેય વિકેટ નહીં), લૉકી ફર્ગ્યુસન (41 રનમાં બે વિકેટ) અને ગ્લેન ફિલિપ્સ (10 રનમાં એકેય વિકેટ નહીં).



