વન-ડે ટીમમાં સિરાજનું કમબૅક, પણ શમીની ફરી અવગણના

નવી દિલ્હીઃ ઘરઆંગણે 11મી જાન્યુઆરીથી ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેની ભારતીય ટીમ (Indian Team)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે, પણ મોહમ્મદ શમીને જગ્યા નથી મળી.
મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને ફિટનેસને લગતું સર્ટિફિકેટ મળશે તો જ શ્રેણીમાં રમવા મળશે. જોકે કે. એલ. રાહુલ ઉપરાંતના બીજા વિકેટકીપર તરીકે રિષભ પંતને આ ટીમમાં સમાવવામાં આવ્યો છે.
ક્રિકેટપ્રેમીઓને ફરી એક વાર બે દિગ્ગજ બૅટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય મૅચમાં રમતા જોવા મળશે. ભારતની બૅટિંગ લાઇન-અપના આ બે આધારસ્તંભ છે. રોહિત હાલમાં વન-ડે ઇન્ટરનૅશનલમાં વર્લ્ડ નંબર-વન અને વિરાટ નંબર-ટૂ છે.
આપણ વાચો: વર્કલૉડની સમસ્યાઃ આ બે દિગ્ગજ ખેલાડી સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ કદાચ નહીં રમે…
શુભમન ગિલ (Shubhman Gill) ભારતની વન-ડે ટીમનો કૅપ્ટન છે. તેણે ટીમમાં કમબૅક કર્યું છે. ગરદનના દુખાવાને કારણે તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં નહોતો રમી શક્યો. આ પહેલાં તે ઑસ્ટ્રેલિયાની ટૂરની વન-ડે શ્રેણીમાં રમ્યો હતો.
ગિલ, શ્રેયસ અને સિરાજને વન-ડે ટીમમાં અનુક્રમે તિલક વર્મા, ધ્રુવ જુરેલ, ઋતુરાજ ગાયકવાડના સ્થાને સમાવવામાં આવ્યા છે. ભારતે સાઉથ આફ્રિકાને 2-1થી પરાજિત કર્યું હતું એ સિરીઝની ટીમમાં થયેલા આ ત્રણ ફેરફાર છે.
હાર્દિક પંડયાને ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપ માટે પૂર્ણપણે ફિટ રાખવાના હેતુથી તેને આ વન-ડે સિરીઝની ટીમમાં નથી સમાવવામાં આવ્યો.
વન-ડે સિરીઝ શેડ્યૂલ
(1) પ્રથમ વન-ડે, 11મી જાન્યુઆરી, વડોદરા, બપોરે 1.30 વાગ્યાથી
(2) બીજી વન-ડે, 14મી જાન્યુઆરી, રાજકોટ, બપોરે 1.30 વાગ્યાથી
(3) ત્રીજી વન-ડે, 18મી જાન્યુઆરી, ઇન્દોર, બપોરે 1.30 વાગ્યાથી
ભારતની વન-ડે ટીમઃ
શુભમન ગિલ (કૅપ્ટન), શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહ.



