રવિવારથી ફરી રો-કોની આતશબાજી જોવા તૈયાર થઈ જાઓ

વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે રોહિત-કોહલીના સ્પેશ્યલ શૉ પર સૌની નજરઃ બપોરે 1.30 વાગ્યાથી લાઇવ
વડોદરાઃ ભારતના બે બૅટિંગ-લેજન્ડ રોહિત શર્મા અને વિરાટ કોહલી (રો-કો)ની ફટકાબાજીની મોસમ પાછી આવી ગઈ. રવિવાર, 11મી જાન્યુઆરીએ વડોદરાના કોટંબી (Kotumbi) સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝની પ્રથમ મૅચ (બપોરે 1.30 વાગ્યાથી લાઇવ) રમાશે. બન્ને દિગ્ગજ ખેલાડી હવે માત્ર વન-ડે અને આઇપીએલમાં જ રમતા જોવા મળે છે એટલે તેમના ચાહકો તેમની એક-એક બૉલની બૅટિંગ જોવા આતુર હશે.
0-3ની ટેસ્ટની હારનો બદલો લેવાનો છે
2025ની સાલના અંત ભાગમાં ભારતે (India) ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં 0-3થી પરાજય જોવો પડ્યો હતો. જોકે હવે વન-ડે શ્રેણીમાં તેમના એવા જ (3-0) હાલ કરવાની તક ઝડપી લેવા જેવી છે, કારણકે શુભમન ગિલના સુકાનમાં ભારત પોતાની સૌથી મજબૂત ટીમ આ શ્રેણીમાં ઉતારી રહ્યું છે. શ્રેયસ ઐયર ઘણા વખતે કમબૅક કરી રહ્યો છે અને તે ટીમનો વાઇસ-કૅપ્ટન છે. 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સ વન-ડે ટીમ તૈયાર કરી રહ્યા છે.

ન્યૂ ઝીલૅન્ડની ટીમ કેમ નબળી છે?
માઇકલ બ્રેસવેલના સુકાનમાં ભારત આવેલી ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમના 15માંથી આઠ ખેલાડી આ અગાઉ ભારતમાં ક્યારેય નહોતા રમ્યા, બે ખેલાડીને એકેય આંતરરાષ્ટ્રીય મૅચનો અનુભવ નથી, એક કિવી પ્લેયર પહેલી જ વખત વન-ડે ફૉર્મેટમાં રમશે, પાંચ ખેલાડી 10 કરતાં પણ ઓછી વન-ડે રમ્યા છે, મુખ્ય બોલર્સ મિચલ સૅન્ટનર તેમ જ માર્ક ચૅપમૅન અને મૅટ હેન્રી ઈજામુક્ત થઈને પાછા રમવા આવ્યા છે. ટૉમ લૅથમની પત્ની બાળકને જન્મ આપવાની હોવાથી ટૉમ પૅટરનિટી લીવ પર છેે, જ્યારે આ ટૂર સાથે સાઉથ આફ્રિકાની એસએ20 ટૂર્નામેન્ટની તારીખો ટકરાઈ રહી હોવાથી તે ભારત નથી આવ્યો.
ભારતમાં કિવીઓ વન-ડે સિરીઝ નથી જીત્યા
રોહિત અને કોહલી સહિત મોટા ભાગના ભારતીય ખેલાડીઓ વિજય હઝારે ટ્રોફી સહિતની ડોમેસ્ટિક મૅચોમાં ધમાલ મચાવીને વડોદરા આવ્યા છે એટલે કિવીઓએ તેમની સામે ચેતવું પડશે. ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે એક ખુશખબર એ છે કે ભારતની ધરતી પર ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓ ક્યારેય વન-ડે સિરીઝ કે વન-ડે ટૂર્નામેન્ટ નથી જીત્યા એટલે ઇતિહાસ પૂર્ણપણે શુભમન ગિલ ઍન્ડ કંપનીની તરફેણમાં છે.
બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), શ્રેયસ ઐયર (વાઇસ કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ રાણા અને મોહમ્મદ સિરાજ.
ન્યૂ ઝીલૅન્ડઃ માઇકલ બ્રેસવેલ (કૅપ્ટન), ડેવૉન કૉન્વે, નિક કેલી, વિલ યંગ, ડેરિલ મિચલ, હેન્રી નિકૉલ્સ, ગ્લેન ફિલિપ્સ, ઝૅક ફૉક્સ, કાઇલ જૅમીસન, માઇકલ રે અને આદિત્ય અશોક.



