સ્પોર્ટસ

વડોદરામાં ભારતે વટ પાડ્યો, ન્યૂ ઝીલૅન્ડ સામે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીત્યું…

વડોદરાઃ ભારતે (India) અહીં ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની પ્રથમ વન-ડેમાં ચાર વિકેટે હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી આ મૅચ જીતી લીધી હતી. 301 રનના લક્ષ્યાંક સામે ભારતે 49 ઓવરમાં છ વિકેટે 306 રન કર્યા હતા. કે. એલ. રાહુલે (29 અણનમ, 21 બૉલ, એક સિક્સર, બે ફોર) છેલ્લે ત્રણ બૉલમાં 14 રન કર્યા હતા જેમાં વિનિંગ સિક્સર સામેલ હતી. થોડી ઈજા છતાં છેક સુધી રાહુલને સાથ આપનાર વૉશિંગ્ટન સુંદર (સાત અણનમ, સાત બૉલ) તેની સાથે 27 રનની અતૂટ ભાગીદારીથી ટીમ ઇન્ડિયાની આબરૂ સાચવી હતી.

રોહિત શર્મા (26 રન, 29 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની વિકેટ વહેલી પડ્યા બાદ વિરાટ કોહલી (93 રન, 91 બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (56 રન, 71 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ બાજી સંભાળી લીધી હતી.

વિરાટે (Virat) બીજી વિકેટ માટે ગિલ સાથે 118 રનની અને પછી વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર (49 રન, 47 બૉલ, એક સિક્સર, ચાર ફોર) સાથે 77 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. કોહલી સાત રન માટે 54મી સેન્ચુરી ચૂકી ગયા પછી શ્રેયસ એક રન માટે હાફ સેન્ચુરીથી વંચિત રહ્યો હતો. જોકે આ બૅટ્સમેનોએ વિજયનો પાયો નાખી આપ્યો હતો. હર્ષિત રાણા (29 રન, 23 બૉલ, એક સિક્સર, બે ફોર)એ ટૂંકી, પણ આક્રમક ઇનિંગ્સમાં બૅટિંગથી પણ ટીમને યોગદાન આપ્યું હતું.

કોહલીએ ઇનિંગ્સની શરૂઆતથી આક્રમક વલણ અપનાવીને રનમશીન સતતપણે સક્રિય રાખ્યું હતું, પરંતુ 90 રનની નજીક પહોંચ્યો ત્યારથી થોડું ધીમું પડી ગયો હતો અને છેવટે કાઇલ જૅમીસનના બૉલમાં ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન માઇકલ બે્રસવેલને મિડ-ઑફ પર કૅચ આપી બેઠો હતો. કોહલીની વિકેટ બાદ થોડી જ વારમાં રવીન્દ્ર જાડેજા (ચાર રન) પણ જૅમીસનનો શિકાર થયો હતો. ભારતની છમાંથી ચાર વિકેટ જૅમીસને તેમ જ એક વિકેટ ભારતીય મૂળના સ્પિનર આદિત્ય અશોકે અને એક વિકેટ નવા પેસ બોલર ક્રિસ્ટિયન ક્લાર્કે લીધી હતી.

એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે ખૂબ સારી શરૂઆત કરી હતી અને છેક 117 રનના ટોટલ પર હેન્રી નિકૉલ્સ (62 રન)ની વિકેટ પડી હતી. વિકેટકીપર કે. એલ. રાહુલે તેનો કૅચ ઝીલ્યો હતો. નિકૉલ્સની વિકેટ લીધા બાદ પેસ બોલર હર્ષિત રાણાએ પછીની ઓવરમાં કુલ 126 રનના સ્કોર પર ડેવૉન કૉન્વે (56 રન)ને પણ આઉટ કર્યો હતો. તેને હર્ષિતે ક્લીન બોલ્ડ કર્યો હતો.

આ પણ વાંચો…વિરાટ કોહલીનો વર્લ્ડ રેકૉર્ડ, સચિન-સંગકારા બન્નેને પાછળ રાખી દીધા

ત્યાર પછી પાંચ ઓવર બાદ કુલ 146 રનના સ્કોર પર વિલ યંગ (12 રન) મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. આમ, 29 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. ભારત પાસે કુલ છ બોલર હતા. કિવીઓમાં ડેરિલ મિચલ (84 રન, 71 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ટીમ ઇન્ડિયાને સૌથી ભારે પડ્યો હતો. ઓપનર્સ ડેવૉન કૉન્વે (56 રન, 67 બૉલ, એક સિક્સર, છ ફોર) અને હેન્રી નિકૉલ્સ (62 રન, 69 બૉલ, આઠ ફોર)ની હાફ સેન્ચુરી પણ સામેલ હતી. સિરાજ, હર્ષિત અને ક્રિષ્નાને બે-બે વિકેટ તથા કુલદીપને એક વિકેટ મળી હતી. વૉશિંગ્ટન (0/27) અને જાડેજા (0/56) વિકેટ નહોતા મેળવી શક્યા. કૅપ્ટન માઇકલ બે્રસવેલને શ્રેયસે રનઆઉટ કર્યો હતો.

રવિવારે મેચ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માનું વડોદરાના સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવ્યું હતું અને એ સમયે આઈસીસી ચેરમેન જય શાહ સહિત ભારતીય ક્રિકેટના અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button