નામિબિયા સામે આ વિસ્ફોટક ખેલાડી થઈ શકે છે બહાર, જાણો ભારતની સંભવિત પ્લેઈંગ-11

નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો નામિબિયા સામે થશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 કલાકથી રમાશે. ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. બીજી તરફ નામિબિયાને આ મેદાન પર નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અભિષેકના સ્થાને સેમસનનો થઈ શકે છે સમાવેશ
ભારત માટે સૌથી મોટી ચિંતા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને લઈ છે. તેને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ આજે નામિબિયા સામે રમવાને લઈ શંકા છે. જો તે મેચમાંથી બહાર થશે તો સંજૂ સેમસનને ઓપનિંગનો મોકો મળી શકે છે. સેમસન આક્રમક શરૂઆત અપાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ છેલ્લી થોડા સમયથી તે ફોર્મમાં ન હોય તેમ લાગે છે.
બુમરાહની પણ થશે વાપસી
અમેરિકા સામેની પ્રથમ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તાવના કારણે રમી શક્યો નહોતો. હવે તે સંપૂર્ણ ફીટ છે અને મંગળવારે નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. આ જોતાં નામિબિયા સામે તેની પ્લેઈંગ 11માં વાપસી નક્કી માનવામાં આવે છે. જો બુમરાહ ટીમમાં આવશે તો સિરાજને બહાર બેસવું પડી શકે છે. બુમરાહની હાજરીથી ભારતીય ટીમની બોલિંગ મજૂબ બનશે.
પાકિસ્તાન સામે મેચ પહેલા ભૂલ સુધારવાની તક
અમેરિકા સામે પ્રથમ મુકાબલામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવને બાદ કરતાં કોઈ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાનારા હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા આ મેચ ભારતીય બેટ્સમેનો માટે લય મેળવવાનો મોકો છે.
જો સેમસન અને ઈશાન કિશન ઓપનિંગમાં આવીને ટીમને સારી શરૂઆત અપાવી શકે છે. મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, ઈન ફોર્મ સૂર્યકુમાર યાદવ મોટી ઈનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે રિંકૂ સિંહ ફિનિશરની ભૂમિકા ભજવશે. ટીમ ઈન્ડિયા સંતુલન જાળવી રાખવા ત્રણ ઓલરાઉન્ડર્સ સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલ બોલિંગ અને બેટિંગથી ટીમને મજબૂત કરી શકે છે. સ્પિન બોલિંગની જવાબદારી વરૂણ ચક્રવર્તી પર રહેશે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહની જોડી મોટી ભૂમિકા ભજવી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
સંજૂ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ
આ પણ વાંચો…ભારતની ગુરુવારે દિલ્હીમાં નામિબિયા સામે રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ જોવા મળશે?



