સ્પોર્ટસ

ભારતે નામિબિયાને હરાવ્યું, પાકિસ્તાનને મોખરાના સ્થાનેથી હટાવ્યું

નવી દિલ્હીઃ વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે અહીં ટી-20 વર્લ્ડ કપમાં આફ્રિકન દેશ નામિબિયાને 93 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ગ્રૂપ-એમાં પાકિસ્તાન પાસેથી મોખરાનું સ્થાન આંચકી લીધું હતું. ભારતે નવ વિકેટે 209 રન કર્યા બાદ નામિબિયાની નાની ટીમ 19મી ઓવર સુધી રમી ગઈ હતી. એમણે 18.2 ઓવરમાં 116મા રને અંતિમ વિકેટ ગુમાવી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે બોલિંગમાં સમજદારીથી ફેરફારો કર્યા હતા અને ભારતના તમામ છ બોલરને વિકેટ મળી હતી. હવે રવિવારે કોલંબોમાં ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) છે.

નામિબિયા (Namibia)નો એકેય બૅટ્સમૅન 30 રન પણ નહોતો કરી શક્યો, પણ તેમણે ભારત (India)ના વર્લ્ડ-ક્લાસ બોલર્સનો સારો સામનો કર્યો હતો. લૉરેન સ્ટીનકૅમ્પના 29 રન ટીમમાં હાઇએસ્ટ હતા. સૌથી સફળ બોલર વરુણ ચક્રવર્તીએ ફક્ત સાત રનમાં ત્રણ વિકેટ, હાર્દિકે 21 રનમાં બે, અક્ષરે 20 રનમાં બે વિકેટ લીધી હતી. અર્શદીપ, બુમરાહ અને શિવમને એક-એક વિકેટ મળી હતી.

એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ ભારતીય બૅટ્સમેનોએ ધાર્યા જેવું ધમાકેદાર પર્ફોર્મ ન કર્યું અને 20 ઓવરમાં નવ વિકેટે 209 રન કર્યા હતા. ઇશાન કિશન (61 રન, 24 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) અને હાર્દિક પંડ્યા (બાવન રન, 28 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો.

19મી ઓવરની શરૂઆતમાં ભારતનો સ્કોર 4/205 હતો ત્યારે કૅપ્ટન ઇરેસમસના બૉલમાં હાર્દિકના શૉટમાં સબસ્ટિટ્યૂટ લિશરે બાઉન્ડરી લાઇનની બહાર જતી વખતે બૉલ હવામાં ઉછાળ્યો અને અંદર આવીને કૅચ ઝીલી લીધો હતો. આ કૅચ ટર્નિંગ પૉઇન્ટ બન્યો હતો.

હાર્દિક-ઇરેસમસની રમૂજી ટક્કર

એ અગાઉ, એક તબક્કે તિલકની વિકેટ લીધા પછી ઇરેસમસે શિવમને બૉલ ફેંક્યો ત્યારે શિવમના શૉટમાં બૉલ ઇરેસમસની ડાબી તરફ આવ્યો ત્યારે અચાનક દોડી આવેલા ઇરેસમસ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલા હાર્દિક સાથે ટકરાયો હતો. ઇરેસમસ બૉલ રોકવા પ્રયાસ કરી રહ્યો હતો અને હાર્દિક રન દોડવા માગતો હતો. જોકે હાર્દિક તેની ઉપર પડ્યો હતો અને આ હળવી ટક્કરે બધે રમૂજ ફેલાવી હતી.

ચાર રનમાં ભારતની ચાર વિકેટ

હાર્દિકની વિકેટ બીજા બીજા ચાર રનમાં (10 બૉલમાં) ભારતની બીજી ચાર વિકેટ પડી ગઈ હતી. રિન્કુની ગરબડ બાદ દુબે પોતાના 23 રન પર રનઆઉટ થયો હતો. એ પહેલાં, ઓપનર સંજુ સૅમસન (22 રન, 8 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) શરૂઆતની ફટકાબાજી બાદ પોતાના આઠમા બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે નામિબિયા જેવી નાની ટીમ સામે પણ ફૉર્મ પાછું મેળવવામાં સફળ ન થઈ શક્યો. તિલકે પચીસ રન, સૂર્યાએ 12 રન કર્યા હતા, જ્યારે રિન્કુએ ફક્ત એક રન કર્યો હતો અને અક્ષર ઝીરોમાં આઉટ થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button