સૂર્યકુમારે રાજકોટની હાર માટેના કારણમાં કહ્યું, `મેં ધાર્યું હતું કે…’
![india vs england t20i series india suffer first loss](/wp-content/uploads/2025/01/india-vs-england-t20i-series.webp)
રાજકોટઃ ઇંગ્લૅન્ડ સામે ભારતે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં કોલકાતાની પ્રથમ મૅચ અને ચેન્નઈની બીજી મૅચ જીતીને ખૂબ સારી શરૂઆત કરી હતી, પણ રાજકોટમાં વિજય રથ અટકી ગયો જેના માટે અમુક અંશે ભારતની બોલિંગ અને ખાસ કરીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના ટૉપ-ઑર્ડરનો ફ્લૉપ-શો જવાબદાર છે જ, ખુદ સૂર્યકુમારે એક કારણમાં જણાવ્યું છે કે હું તો માનતો હતો કે સાંજ પછી મોડેથી હવામાં ભેજ રહેશે, પરંતુ એવી કોઈ અસર નહોતી જોવા મળી.’ ભારત શ્રેણીમાં 2-0થી આગળ હતું, પણ મંગળવારના પરાજય સાથે રેશિયો 2-1નો થઈ ગયો હતો.
Also read : યુઝવેન્દ્ર ચહલ સાથે ડિવોર્સની અફવા વચ્ચે આ ક્યાં પહોંચી ધનશ્રી!
સૂર્યકુમારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઇંગ્લૅન્ડે સાતમા રને પ્રથમ વિકેટ ગુમાવી હતી અને ત્યાર પછી બીજી વિકેટ છેક 83મા રને પડી હતી. 127 રનના સ્કોર પર આઠમી વિકેટ પડી હતી એ જોતાં આ ટીમ દોઢસો રન નહીં બનાવી શકે એવું મનાતું હતું. જોકે તેમનો દાવ છેક 171/9ના સ્કોર પર પૂરો થયો હતો અને ભારતીય ટીમને 172 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. ભારતના ટોચના આઠમાંથી એકમાત્ર હાર્દિક પંડ્યા (40 રન) પચીસ રનનો આંકડો પાર કરી શક્યો હતો.
સંજુ સૅમસન (3 રન) ફરી સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. શુક્રવારની ચોથી મૅચમાં તેના સ્થાને ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ-બૅટિંગની સંયુક્ત જવાબદારી સોંપાશે તો નવાઈ નહીં લાગે. અભિષેક શર્મા (24), સૂર્યકુમાર (14), તિલક વર્મા (18), વૉશિંગ્ટન સુંદર (6), અક્ષર પટેલ (15) અને ધ્રુવ જુરેલ (2) પણ મંગળવારે લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. ભારતનો દાવ 20મી ઓવરમાં નવ વિકેટે 145 રનના સ્કોર પર પૂરો થયો હતો અને બ્રિટિશ ટીમનો 26 રનથી વિજય થયો હતો. સૂર્યકુમાર યાદવે કૉમેન્ટેટર હર્ષા ભોગલેને કહ્યું હતું કેમૅચમાં પછીથી થોડો ભેજ હશે એટલે ટીમ ઇન્ડિયાને ફાયદો થશે એવું મેં ધાર્યું હતું. જોકે એવી કોઈ અસર દેખાઈ નહોતી.
બીજું, હાર્દિક-અક્ષર ક્રીઝમાં હતા અને અમારે 24 બૉલમાં પંચાવન રન બનાવવાના બાકી હતા ત્યારે લાગતું હતું કે મૅચ અમારા હાથમાં છે. જોકે આદિલભાઈ (સ્પિનર આદિલ રાશિદ)ને જીતનો શ્રેય આપવો જોઈએ. અમારા બૅટર્સ સ્ટ્રાઇક રૉટેટ કરવા માગતા હતા, પણ તેણે એ નહોતું થવા દીધું.’
સૂર્યકુમારે એવું પણ કહ્યું હતું કે `અમે હંમેશાં ટી-20 મૅચમાંથી કંઈકને કંઈક નવું શીખતા હોઈએ છીએ. 127 રન પર તેમની આઠ વિકેટ હતી અને પછી તેમનો સ્કોર 171 રન સુધી પહોંચી જવો એ ઠીક નહોતું થયું. બૅટિંગમાં પણ અમારે કંઈક શીખવાની જરૂર છે.’
Also read : શું વિરાટ કોહલીએ પ્રાઇવેટ જેટ વિમાન ખરીદી લીધું છે?
જૅમી ઓવર્ટને ત્રણ તેમ જ જોફ્રા આર્ચર તથા બ્રાયડન કાર્સે બે-બે વિકેટ અને આદિલ રાશિદ અને માર્ક વૂડે એક-એક વિકેટ લીધી હતી. ખાસ કરીને આદિલે ચાર ઓવરમાં ફક્ત 15 રન આપ્યા હતા. જોકે ભારતના પરાજય છતાં સ્પિનર વરુણ ચક્રવર્તીને પાંચ વિકેટના તરખાટ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.