સ્પોર્ટસ

હૈદરાબાદમાં ઑલી પૉપની લડાયક ઇનિંગ્સ: ભારતની પિચ પર ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં 300 રન બનાવનાર છેલ્લા 10 વર્ષનો પ્રથમ દેશ

હૈદરાબાદ: 26 વર્ષના વનડાઉન બૅટર ઑલી પૉપે (148 નૉટઆઉટ, 208 બૉલ, સત્તર ફોર) શનિવારે અહીં ઇંગ્લૅન્ડને ભારત સામેની પ્રથમ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે લડાયક સેન્ચુરી ફટકારીને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું. રમતને અંતે ઇંગ્લૅન્ડનો બીજા દાવનો સ્કોર છ વિકેટે 316 રન હતો.

એ સાથે પૉપે ઇંગ્લૅન્ડને ભારતની ધરતી પર છેલ્લા 10 વર્ષમાં કોઈ દેશ નથી કરી શક્યો એવી અનેરી સિદ્ધિ પણ અપાવી હતી. ભારતે એનો બીજો દાવ 436 રને પૂરો થતાં 190 રનની લીડ લીધી હતી. પહેલા દાવમાં માત્ર 246 રન બનાવનાર બ્રિટિશ ટીમ બીજા દાવમાં પણ સસ્તામાં આઉટ થઈ જશે એવી આશા હતી, પણ પૉપે એકલા હાથે ભારતીય બોલરો સામે લડીને ટીમનો સ્કોર 300 રનને પાર કરાવડાવ્યો હતો. ભારતમાં ટેસ્ટ રમી રહેલી વિદેશી ટીમે બીજા દાવમાં 300 રન બનાવ્યા હોય એવું 2012-’13ની સાલ પછી પહેલી જ વાર બન્યું છે. ત્યારે (10 વર્ષ પહેલાં) નાગપુરમાં ધોનીની કૅપ્ટન્સીમાં ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 326 રને દાવ ડિક્લેર કરી દેતાં ઍલિસ્ટર કૂકની ટીમને ચાર રનની લીડ મળી હતી અને બીજા દાવમાં ઇંગ્લૅન્ડે 4 વિકેટે 352 રનના સ્કોરે દાવ સમાપ્ત જાહેર કર્યો હતો. જોકે પછીથી મૅચ ડ્રૉમાં ગઈ હતી.


પૉપ છેલ્લા 12 વર્ષમાં ભારતની ધરતી પરની ટેસ્ટના બીજા દાવમાં સૌથી વધુ રન બનાવનારો બૅટર છે. 2012માં અમદાવાદમાં ઇંગ્લૅન્ડના ઍલિસ્ટર કૂકે ભારત સામેની ટેસ્ટના બીજા દાવમાં 176 રન બનાવીને ઇંગ્લૅન્ડને 406 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. જોકે ભારતને જીતવા માંડ 77 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે માત્ર સેહવાગની વિકેટના ભોગે મેળવીને મૅચ જીતી લીધી હતી.


શનિવારે પૉપે વિકેટકીપર બેન ફૉક્સ (34 રન) સાથે છઠ્ઠી વિકેટ માટે 104 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. તેમની આ પાર્ટનરશિપને લીધે જ મૅચ ચોથા દિવસ પર ગઈ છે. બેન ડકેટે 47 રન બનાવ્યા હતા, જ્યારે પૉપનો જોડીદાર ફૉક્સ 34 રન બનાવીને આઉટ થયા બાદ રેહાન અહમદ 16 રને રમી રહ્યો હતો. મુખ્ય બૅટર જો રૂટ ફક્ત બે રને જસપ્રીત બુમરાહના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો. કૅપ્ટન બેન સ્ટૉક્સ છ રને આર. અશ્ર્વિનના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. બેન ફૉક્સને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કર્યો હતો. બુમરાહ અને અશ્ર્વિને બે-બે વિકેટ તેમ જ અક્ષર અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને બીજા દાવમાં પણ વિકેટ નથી મળી.
ભારતના પ્રથમ દાવના 436 રનમાં ત્રણ પ્લેયરની હાફ સેન્ચુરી હતી. જાડેજાએ 87 રન, કેએલ રાહુલે 86 રન અને યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા. અક્ષરે 44 રન, શ્રીકાર ભરતે 41 રન અને શ્રેયસ ઐયરે 35 રન બનાવ્યા હતા. મુખ્ય બૅટર જો રૂટ મુખ્ય વિકેટ-ટેકિંગ બોલર બન્યો હતો. તેણે સ્પિનના તરખાટમાં 79 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. નવા સ્પિનર ટૉમ હાર્ટલી અને રેહાનને બે-બે વિકેટ તથા જૅક લીચને એક વિકેટ મળી હતી. માર્ક વૂડ વિકેટ વિનાનો રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button