સ્પોર્ટસ

ભારતે ફીલ્ડિંગ પસંદ કર્યા પછી ઇંગ્લૅન્ડે ત્રીજા જ બૉલમાં વિકેટ ગુમાવી

કોલકાતાઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અહીં પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ છે જેના પ્રથમ મુકાબલામાં ભારતે સાંજે 6.30 વાગ્યે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને 7.00 વાગ્યે સિરીઝનો પ્રથમ મુકાબલો શરૂ થયા બાદ થોડી જ ક્ષણોમાં બ્રિટિશ ટીમે ઓપનર ફિલ સૉલ્ટની વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલી ઓવર આપી હતી અને અર્શદીપે ત્રીજા જ બૉલમાં સૉલ્ટ (0)ને વિકેટકીપર સંજુ સૅમસનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે બીજો ઓપનર બેન ડકેટ ચાર જ રનમાં અર્શદીપને બીજી વિકેટ આપી બેઠો હતો અને ત્યાર પછી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પણ બે વિકેટ લીધી હતી. એ વખતે ઇંગ્લૅન્ડનો સ્કોર ચાર વિકેટે 69 રન હતો. મોહમ્મદ શમીને 14 મહિને ફરી ભારત વતી રમવાનો મોકો અપાયો છે.

જોકે આ મૅચની ઇલેવનમાં તેનો સમાવેશ ન હોવાથી ફરી તેની ફિટનેસના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. જોકે સૂર્યકુમારની ટીમમાં ત્રણ સ્પિનરને સમાવવાનો નિર્ણય લેવાનો હોવાથી શમીને નથી રમવા મળ્યું એવું મનાય છે. ત્રણ સ્પિનરમાં વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈનો સમાવેશ છે. ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ઘણું સારું રમનાર ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ટી-20માં રમવાનો મોકો અપાયો છે. તે ભારત વતી પાંચ ટેસ્ટ અને ત્રણ ટી-20 રમી ચૂક્યો છે. ટીમમાં ત્રણ પેસ બોલર (અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, નીતીશ રેડ્ડી) સામેલ છે.

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન આ મુજબની છેઃ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.

Also read: ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ કઈ ટૂર્નામેન્ટને સજીવન કરવાના પ્રયાસમાં છે?

ઇંગ્લૅન્ડઃ જૉસ બટલર (કૅપ્ટન), હૅરી બ્રૂક (વાઇસ-કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, લિઆમ લિવિંગસ્ટન, જૅકબ બેથેલ, જૅમી ઑવરટન, ગસ ઍટક્નિસન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને માર્ક વૂડ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button