ઓવલમાં લંચ-બ્રેક વહેલો અને હવે રમત ભીના મેદાનને કારણે વિલંબમાં…
છેલ્લી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતનો સ્કોર 2/72ઃ સુદર્શન-ગિલની જોડી પર ઘણો આધાર

લંડનઃ અહીં ધ ઓવલ (The Oval)ના ગ્રાઉન્ડ પર શરૂ થયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ માટેની પિચ પર ઘણું લીલું ઘાસ હોવા છતાં એના પર પહેલી 16 ઓવરમાં ભારતના બન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ બ્રિટિશ મિડિયમ પેસ બોલરના બૉલમાં વિકેટ ગુમાવી બેઠા હતા.
ત્યાર બાદ સાઇ સુદર્શન (પચીસ નૉટઆઉટ, 67 બૉલ, ચાર ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (15 નૉટઆઉટ, 23 બૉલ, ત્રણ ફોર)ની જોડીએ લાંબો સમય ક્રીઝ પર ટકી રહીને ટીમને થોડી સન્માનજનક સ્થિતિમાં લાવી દીધી હતી. વરસાદ (Rain) શરૂ થતાં લંચ-બ્રેક થોડો વહેલો લઈ લેવામાં આવ્યો હતો અને ભોજનનો સમય પૂરો થયા બાદ મેદાન ભીનું હોવાને કારણે રમત સમયસર શરૂ નહોતી થઈ શકી. ભારતીય સમય મુજબ સાંજે 7.00 વાગ્યે અમ્પાયરો પિચ અને મેદાનનું અવલોકન કરવાના હોવાથી ક્રિકેટપ્રેમીઓએ હજી થોડો સમય રાહ જોવી પડશે એવું જાણવા મળ્યું હતું.

સુદર્શન (Sai Sudarshan) અને ગિલ (Shubhman Gill) વચ્ચે હજી માત્ર 34 રનની ભાગીદારી થઈ છે, પણ તેમણે ભારતના ચાર બોલર્સનો સમજદારીથી સામનો કર્યો હતો અને ભારતનો સ્કોર 38 રન પરથી 72 રન પર પહોંચાડ્યો હતો.
યશસ્વી નવ બૉલમાં બે રન બનાવીને ગસ ઍટક્નિસનના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો. તેની વિકેટ ચોથી જ ઓવરમાં પડી હતી. 16મી ઓવર ક્રિસ વૉક્સે કરી હતી જેમાં રાહુલ ક્લીન બોલ્ડ થયો હતો. વૉક્સના ઑફ સ્ટમ્પની બહારનો બૉલ થોડો બાઉન્સ થયો હતો જેમાં રાહુલ શૉટ મારવા ગયો હતો અને તેના બૅટની ઇન્સાઇડ એજ વાગ્યા બાદ બૉલ સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો.
ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને, બુમરાહના સ્થાને આકાશ દીપને, શાર્દુલની જગ્યાએ કરુણ નાયરને અને અંશુલ કંબોજની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને સામેલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ ટીમમાં કૅપ્ટન બેન સ્ટૉક્સ ખભાની ઈજાને લીધે નથી રમ્યો. બૅટ્સમૅન ઑલી પૉપ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. જોફ્રા આર્ચર પણ નથી રમી રહ્યો અને બ્રિટિશ ટીમે પણ કુલ ચાર ફેરફાર કર્યા છે.
આ પણ વાંચો…પિચ ક્યૂરેટરની બદમાશીઃ ભારતીય ખેલાડીઓને પિચ પરથી હટાવાયા, પણ રૂટ-પૉપને મૉક પ્રૅક્ટિસ કરવા દીધી!