સ્પોર્ટસ

લૉર્ડ્સમાં ભારતના ડાંડિયા ડૂલ, ઇંગ્લૅન્ડ 2-1થી આગળ…

જાડેજા બાપુ એકલે હાથે અંગ્રેજો સામે લડ્યા છતાં અંતે ટીમ ઇન્ડિયાનો પરાજય

લંડનઃ અહીં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના નિર્ણાયક દિવસે બોલર્સને ખૂબ લાભ અપાવતી પિચ પર રવીન્દ્ર જાડેજા (61 નૉટઆઉટ, 266 મિનિટ, 181 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ બ્રિટિશ ટીમને એકલે હાથે અભૂતપૂર્વ લડત આપી હતી, પરંતુ છેવટે ભારતનો માત્ર બાવીસ રનથી પરાજય થતાં તેની બધી મહેનત એળે ગઈ હતી. 193 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 170 રન પર ઑલઆઉટ થઈ હતી અને ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં 2-1થી સરસાઈ લીધી હતી.

જાડેજા (Ravindra Jadeja)ને કે. એલ. રાહુલ (58 બૉલમાં 39 રન), નીતીશ કુમાર રેડ્ડી (53 બૉલમાં 13 રન), જસપ્રીત બુમરાહ (54 બૉલમાં પાંચ રન) અને મોહમ્મદ સિરાજ (30 બૉલમાં ચાર રન)નો સારો સાથ મળ્યો હતો અને એમાં બુમરાહ સાથે જાડેજાની (132 બૉલમાં 35 રનની) સૌથી સારી ભાગીદારી થઈ હતી. સિરાજ સાથે પણ જાડેજાની ખૂબ સારી (80 બૉલમાં 23 રનની) પાર્ટનરશિપ થઈ હતી. નીતીશ સાથે જાડેજાની (91 બૉલમાં 30 રનની) ભાગીદારી થઈ હતી. આ બધી ભાગીદારીઓમાં જાડેજા બ્રિટિશ બોલર્સના આતંક સામે યોદ્ધાની જેમ લડ્યો હતો અને છેક સુધી પોતે અપરાજિત હતો, પણ ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. જાડેજાએ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.

PTI

ભારત (India)ના દાવમાં 75મી ઓવર ઈજાગ્રસ્ત સ્પિનર શોએબ બશીરે કરી હતી જેના પાંચમા બૉલમાં સિરાજ સ્ટમ્પ્સમાં જઈ રહેલા બૉલને રોકવામાં નિષ્ફળ ગયો હતો અને છેવટે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. એની થોડી ક્ષણો પહેલાં સિરાજને જોફ્રા આર્ચરના બાઉન્સરમાં બૉલ ખભા પર વાગ્યો હતો. એ સાથે બ્રિટિશરો તેની એકાગ્રતા તોડવામાં સફળ રહ્યા હતા, કારણકે થોડી વાર પછી સિરાજે વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત 1932માં લૉર્ડ્સ (LORD’S)થી જ કરી હતી અને આ ઐતિહાસિક સ્થળે ભારતને ચોથી વાર ટેસ્ટમાં વિજય મેળવવાની અમૂલ્ય તક મળી, પરંતુ જાડેજાની નજર સામે એક પછી એક બૅટ્સમૅને વિકેટ ગુમાવી દેતાં ટીમ પરાજિત થઈ હતી. રિષભ પંત (12 બૉલમાં નવ રન), કે. એલ. રાહુલ (58 બૉલમાં 39 રન) અને ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (શૂન્ય) પહેલા એક કલાકમાં જ આઉટ થઈ ગયા હતા. લડાયક વૃત્તિના જાડેજાએ ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સની 48મી ઓવરમાં છગ્ગો ફટકારીને તાકાત બતાવી આપી હતી. જાડેજા લગભગ દરેક ઓવરને અંતે સ્ટ્રાઇક પોતાની પાસે રાખવામાં સફળ થયો હતો અને છેવટે પિચ પર અણનમ રહ્યો હતો.

PTI

પંતને ડાબા હાથની પહેલી આંગળીમાં ખૂબ દુખાવો છે. જ્યારે પણ બૉલ તેના બૅટને લાગતો હતો ત્યારે તેને આંગળીમાં દુખાવો થતો હતો. પંત આંગળીની ઈજા છતાં મિશન પૂરું કરાવવા આવી તો ગયો અને તેણે એક હાથે ફોર ફટકારીને બ્રિટિશરોને ચેતવી દીધા હતા, પણ નવ રન બનાવીને આર્ચરના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. પંત ચોથી ટેસ્ટમાં રમશે કે કેમ એમાં શંકા છે.

રાહુલની સૌથી મહત્ત્વની વિકેટ બેન સ્ટૉક્સે લીધી હતી. તેનો સીમ બૉલ અચાનક અંદર તરફ આવ્યો અને રાહુલ એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. ચાર વર્ષે ટેસ્ટમાં કમબૅક કરનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ત્રણ તેમ જ કૅપ્ટન બેન સ્ટૉક્સે પણ ત્રણ, બ્રાયડન કાર્સે બે તેમ જ બશીર-વૉક્સે એક-એક વિકેટ લીધી હતી. બેન સ્ટૉક્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. જોકે ખરેખર તો ભારત હારવા છતાં જાડેજા આ મૅચનો સુપરહીરો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button