સ્પોર્ટસ

શુભમન ગિલની ટીમ ઇન્ડિયાને ફરી જીતવાનો મોકો…

ભારતના 180 રનની લીડ સહિત 1/244ઃ સ્મિથ-બ્રૂકની 303ની લડાયક ભાગીદારીઃ સિરાજની છ, આકાશની ચાર વિકેટ

એજબૅસ્ટનઃ ભારતે અહીં બીજી ટેસ્ટમાં શુક્રવારના ત્રીજા દિવસે યજમાન ઇંગ્લૅન્ડ (England)ને પહેલા દાવમાં 407 રન પર ઑલઆઉટ કરીને 180 રનની મોટી સરસાઈ મેળવી હતી અને ત્યાર બાદ બીજા દાવમાં ભારતે રમત થોડી વહેલી બંધ કરવામાં આવી ત્યાં સુધીમાં યશસ્વી જયસ્વાલ (28 રન, 22 બૉલ, છ ફોર)ની વિકેટના ભોગે 64 રન કર્યા હતા અને સરસાઈ (lead) સહિત ભારતના એક વિકેટે 244 રન હતા. હજી બે દિવસની રમત બાકી છે.

શુભમન ગિલના સુકાનમાં ભારતને લીડ્સની પ્રથમ ટેસ્ટમાં જીતવાનો સારો મોકો મળ્યો હતો, પરંતુ અત્યંત ખરાબ ફીલ્ડિંગ અને નિરાશાજનક બોલિંગને લીધે ભારતીયોએ પાંચ સેન્ચુરી કર્યા પછી પણ પરાજય જોવો પડ્યો હતો. જોકે અહીં એજબૅસ્ટનમાં ભારતને જીતવાનો વધુ એક મોકો મળ્યો છે.

એજબૅસ્ટન ઇંગ્લિશ ક્રિકેટરોનો ગઢ છે જ્યાં ભારતીયો એક પણ ટેસ્ટ હજી સુધી નથી જીતી શક્યા. શુક્રવારની ત્રીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર 1/64 હતો. કે. એલ. રાહુલ છ ફોરની મદદથી બનેલા 28 રને રમી રહ્યો હતો, જ્યારે કરુણ નાયર સાત રને દાવમાં હતો. યશસ્વીની વિકેટ જૉશ ટન્ગે લીધી હતી.

એ પહેલાં, ઇંગ્લૅન્ડની ટીમનો પ્રથમ દાવ લાંબી લડત બાદ 407 રન પર સમાપ્ત થયો હતો. વિકેટકીપર જૅમી સ્મિથ (184 અણનમ, 295 મિનિટ, 207 બૉલ, ચાર સિક્સર, એકવીસ ફોર) અને હૅરી બ્રૂક (158 રન, 234 બૉલ, એક સિક્સર, સત્તર ફોર) આ ઇનિંગ્સના બે હીરો હતા. તેમની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 363 બૉલમાં 303 રનની ભાગીદારી થઈ હતી. બ્રૂકની બહુમૂલ્ય વિકેટ આકાશ દીપે લીધી હતી. તેણે બ્રૂકને ક્લીન બોલ્ડ કર્યો હતો. હજારો પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું પૅવિલિયનમાં સ્વાગત કર્યું હતું. બ્રૂકે જૅમી સ્મિથ સાથે છઠ્ઠી વિકેટ માટે વિક્રમી 303 રનની ભાગીદારી કરી હતી. બ્રૂકની વિકેટ વખતે સ્મિથ 171 રને હતો અને ઇંગ્લૅન્ડનો સ્કોર 6/387 હતો.

મોહમ્મદ સિરાજને 70 રનમાં છ વિકેટ અને જસપ્રીત બુમરાહના સ્થાને રમાડવામાં આવેલા આકાશ દીપને 88 રનમાં ચાર વિકેટ મળી હતી. બાકીના ચાર બોલરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને 72 રનમાં, રવીન્દ્ર જાડેજાને 70 રનમાં, નીતીશ રેડ્ડીને 29 રનમાં અને વૉશિંગ્ટન સુંદરને 79 રનમાં વિકેટ નહોતી મળી.

ઇંગ્લૅન્ડ બે રીતે રેકૉર્ડ-બુકમાં
ઇંગ્લૅન્ડે જે 407 રન કર્યા એ બે રીતે રેકૉર્ડ-બુકમાં આવી ગયા. (1) ઇંગ્લૅન્ડના 407 રન ટેસ્ટ-ક્રિકેટની એક ઇનિંગ્સમાં 300-પ્લસની ભાગીદારી ધરાવતું અને ઑલઆઉટ સાથેનું સૌથી નીચું ટોટલ છે. (2) ઇંગ્લૅન્ડના 407 રન ટેસ્ટ-ક્રિકેટનું એવું સૌથી નીચું ટોટલ છે જેમાં 150-પ્લસના બે વ્યક્તિગત સ્કોર સામેલ છે.

નવા બૉલ પછી મળી પાંચ વિકેટ
ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં ભારતીય ટીમે નવો બૉલ લીધો ત્યાર પછી છેલ્લી પાંચ વિકેટ ઝડપથી (387થી 407 રનના સ્કોર સુધીમાં) લેવામાં ભારતીય બોલર્સને સફળતા મળી હતી. એ જોતાં, એજબૅસ્ટનની પિચમાં ફાસ્ટ બોલર્સને ફાયદો થઈ શકે એવી હજી ઘણી સંભાવના હોવાથી બીજા દાવમાં ભારતીય બૅટ્સમેનોને બ્રિટિશરો ભારે પડી શકે. જોકે ભારતના પક્ષમાં 180 રનની તોતિંગ સરસાઈ છે એ જોતાં શનિવારના ચોથા દિવસે ભારતીય ટીમ વધુ 270 જેટલી રન કરીને ઇંગ્લિશ ટીમને બાકીના એકથી સવા દિવસમાં જીતવા 450 રનનો લક્ષ્યાંક આપશે તો ભારતના વિજયની સંભાવના વધુ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button